ગુજરાત
News of Monday, 16th April 2018

ઝેર ગટગટાવી લેનાર સુરતના હીરાના વેપારીનું મોત :કારણ જાણવા તપાસ

દેવું થઇ જતા અંતિમ પગલું ભર્યાનું પોલીસનું કથન : તેની સાથે ઠગાઈ થતા ઝેર પીધાનું પરિવારજનોનો દાવો

સુરતના રાંદેર વિસ્તારમાં પખવાડિયા અગાઉ ઘરમાં ઝેર ગટગટાવી લેનારા હીરા દલાલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.માથે દેવું થઈ જતા આ હીરા દલાલે જીવન ટૂંકાવી લીધું હોવાનું પોલીસનું કથન છે જયારે તેના સંબંધીઓ તેમની સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું જણાવી તેમની પાસેથી હીરા લેનારા લોકો પેમેન્ટ આપતા નહીં હોવાથી ડિપ્રેશનમાં આવી જઈ તેમણે આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું કહ્યું હતું.
   બનાવ અંગે મળતી માહિતી મુજબ રાંદેર, નવયુગ કોલેજ નજીક આવેલા શેત્રુંજ્ય એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ વસંતલાલ શાહ (ઉં.વ.૪૧) મહિધરપુરા, હીરા બજારમાં દલાલીનું કામકાજ કરતા હતા. દરમિયાન ગત તા. ૧લી એપ્રિલના રોજ તેમણે ઘરમાં ઝેર ગટગટાવી લીધું હતું
   ભાવેશભાઈએ ઝેર પી લીધું હોવાની જાણ થતા પરિવારના સભ્યોએ તેમને તાત્કાલિક સારવાર માટે અઠવાલાઈન્સની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને મુંબઈ લઈ જવાયા હતા. જ્યાંથી ગઈકાલે રાત્રે સુરત સિવિલમાં ખસેડાતા તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. મૃતક ભાવેશભાઈ બે સંતાનના પિતા હતા. તેમના અકાળે મોતથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે.
   બનાવની તપાસકર્તા રાંદેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈએ જણાવ્યું હતું કે, મૃતક ભાવેશભાઈના માથે દેવું થઈ ગયું હતું. જેને લીધે તેઓ તણાવમાં રહેતા હોય અંતિમ પગલું ભરી લીધું હતું. તેમની સાથે ઠગાઈ થઈ હોવાની હકીકત પરિવાર દ્વારા પોલીસને કહેવામાં આવી નથી. બનાવ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

 

(11:28 pm IST)