ગુજરાત
News of Monday, 16th April 2018

ગુજરાતમાં અનામત નીતિનો અમલ ના થઇ શકે તો કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાદવા વિચારવું જોઈએ :હાઇકોર્ટ

જાહેર સેવા આયોગને આદેશ આપવા છતાં સરકાર દ્વારા અનામતની નીતિનો અમલ નહીં થતાં હાઇકોર્ટની ટિપ્પણી

અમદાવાદ: ગુજરાત જાહેર સેવા આયોગને આદેશ આપવા છતાં રાજ્ય સરકાર દ્વારા અનામતની નીતિનો અમલ નહીં થતાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પરેશ ઉપાધ્યાય દ્વારા ટીપ્પણી કરતા જણાવ્યુ હતું કે જો ગુજરાતમાં અનામતની નીતિનો અમલ થઈ ના શકે તો કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે વિચારણા કરવી જોઈએ.

   ગત વર્ષે ગુજરાત હાઈકોર્ટમાં એક પીટીશન કરવામાં આવી હતી જેમાં જાહેર સેવા આયોગ દ્વારા અનામત વર્ગમાં આવતા ઉમેદવારને અન્યાય થઈ રહ્યો હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. અરજદારની રજુઆત હતી કે રાજ્યના અધિકારીઓ ઈરાદાપુર્વક અનામત બેઠકો ભરવાને બદલે તે બેઠકો સામાન્ય ઉમેદવારો દ્વારા ભરાઈ જાય તેવા નિયમોનો ઉપયોગ કરી રહી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે સરકારનો જવાબ માગતા નવેમ્બર મહિનામાં સરકારે ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો. જેની સુનાવણી જસ્ટિશ પરેશ ઉપાધ્યાય સામે નિકળતા ફરીથી રાજ્ય સરકાર દ્વારા સમય માંગતા હાઈકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે હાઈકોર્ટ માની રહી છે કે ગુજરાત સરકાર અને એડવોકેટ જનરલ ઈરાદાપુર્વક અનામતના મુદ્દે નિયમનો અમલ કરી રહી નથી. જો ગુજરાત સરકારની આ પ્રકારની જ નીતિ હોય તો કેન્દ્ર સરકારે ગુજરાતમાં કાયદાના શાસનમાં માટે રાષ્ટ્રપતિ શાસનનો અમલ શરૂ કરવા અંગે વિચારણા કરવી જોઈએ. 

   એક તરફ દેશભરમાં અનામતના મુદ્દે ધમાસાણ ચાલી રહ્યુ છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનામતના મુદ્દે આ પ્રકારની થયેલી ટીપ્પણીને ગંભીર માનવામાં આવી રહી છે. (મેરાન્યુઝ્માંથી સાભાર)

(7:15 pm IST)