ગુજરાત
News of Saturday, 17th March 2018

પશુ ડોકટર ૨૦૦૦ની નોટ ચાવી ગયા

એસીબી રંગે હાથે ઝડપે તે પહેલા જ અનોખો કિમીયો કર્યોઃ સિદ્ધપુરની ઘટનાઃ પેટમાંથી નોટ બહાર કઢાવવા તબીબને હોસ્પીટલે લઈ જવાયા

રાજકોટ, તા. ૧૭ :. બેન્કમાં ભેંસો ખરીદવાની લોન મંજુરી માટે જરૂર પડતા ભેંસોના મેડીકલ સર્ટીફીકેટ અંગે એક ભેંસના મેડીકલ સર્ટીફીકેટ આપવા માટે ભેંસ દીઠ ૫૦૦ મળી કુલ રૂ. ૨૦૦૦ની લાંચ સ્વીકારવાના આરોપસર સિદ્ધપુરના પશુ ચિકિત્સા અધિકારી (ડોકટર) મહેન્દ્રસિંહ ગુમાનસિંહ, એસીબી તેમને લાંચ લેતા રંગે હાથે ઝડપે તે પહેલા તેઓની પાસેની પાઉડરવાળી ૨૦૦૦ની નોટ ગળે ઉતારી ઝડપથી ચાવી જતા એસીબી પી.આઈ. એચ.એસ. આચાર્ય વગેરે ટીમે પુરાવાની નોટ પરત મેળવવા પશુ ડોકટરને નજીકના કલીનીકમાં લઈ ગયા હતા.

પાટણના એસીબી યુનિટ સમક્ષ ઉકત ડોકટર તથા તેના સહકર્મચારી હિતેશ સોલંકી (ડ્રાઈવર) મારફત ભેંસોના મેડીકલ સર્ટીફીકેટ આપવા માટે લાંચની માંગણી કરી રહ્યા હોવાની ફરીયાદ આવતા જ એસીબી પી.આઈ. એચ.એસ. આચાર્યએ બોર્ડર એકમનો મદદનીશ નિયામકનો ચાર્જ ધરાવતા કાર્યદક્ષ એસીબી અધિકારી કે.એચ. ગોહિલને આ બાબતે જાણ કરતા જ તેઓએ છટકુ ગોઠવવા આદેશ આપ્યો હતો. એસીબી ટીમ માંગણી મુજબની ૨૦૦૦ની રકમ સાથે ફરીયાદીને મોકલેલ. એસીબી સૂત્રોના કથન મુજબ આરોપીએ નોટ પણ સ્વીકારી લીધા બાદ પુરાવાનો નાશ કરવા નોટ ગળી ગયો હતો. ભૂતકાળમાં એસીબી રેડ દરમિયાન આવા કિસ્સાઓ વર્ષો અગાઉ નોંધાયા હતા. રાજકોટમાં તો મોહન નામનો ફિલ્મ ટીકીટના કાળા બજાર કરતા શખ્સે અવારનવાર આવી રીતે પોલીસ રેડ દરમિયાન નોટો ચાવી જતો. આમ આ બનાવે ભૂતકાળ તાજો કર્યો છે.(૨-૧૫)

(2:47 pm IST)