ગુજરાત
News of Wednesday, 17th February 2021

મોડા છૂટા થયેલા શિક્ષકોને જૂની તારીખથી બદલી લાભ મળશે : મર્જ શાળાના શિક્ષકોની પણ સિનિયોરિટી ગણાશે.

પ્રાથમિક શિક્ષક મહાસંઘની રજૂઆત આખરે રંગ લાવી

અમદાવાદ : રાજ્યના પ્રાથમિક સ્કૂલના શિક્ષકો માટે  સારા સમાચાર મળી રહ્યા છે. પ્રાથમિક સ્કૂલના શિક્ષકોને જિલ્લા ફેરથી મોડા છૂટા થયેલા હોય તેવા શિક્ષકોને રાજ્ય સરકારે લાભ આપ્યો છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે મોડા છૂટા થયેલા શિક્ષકોને જૂની તારીખથી લાભ મળી રહેશે. એટલું જ નહીં, મર્જ શાળાના શિક્ષકોની પણ સિનિયોરિટી ગણાશે. બદલી વખતે મર્જ શાળાની સિનિયોરિટી ધ્યાને લેવાશે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે અગાઉ રજૂઆત કરી હતી જેનું સરકારે ધ્યાને લઈ આ નિર્ણય લીધો છે

અત્રે નોંધનીય છે કે, ગુજરાત સરકારે અગાઉ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો.

નવા નિયમ પ્રમાણે ધોરણ.1થી 5ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ.6થી 8માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે. અત્યારસુધીમાં ધોરણ.1થી 8ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો.

પ્રાથમિક શાળાઓમાં ધોરણ.8નો સમાવેશ કરવામાં આવ્યા બાદ શિક્ષકની ભરતી માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતું. બે ભાગમાં વહેચાયેલી પ્રાથમિક શાળામાં ધોરણ.1થી 5ના શિક્ષકોની ભરતીમાં પીટીસીની લાયકાત નક્કી કરાઈ હતી, જ્યારે ધોરણ.6થી 8માં બી.એડ અથવા તો પીટીસી સાથે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયું હતું.

જોકે આ પહેલાં માત્ર પીટીસીની લાયકાતથી ભરતી થતી હતી, જેથી ધોરણ.6થી 8માં જે-તે સમયે લાયકાતવાળા શિક્ષકો પૂરતા નહોતા. માટે શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ 1થી 5માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.6થી 8માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.1થી 8નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો.

(11:21 pm IST)