સુરતના રિંગરોડ નજીક મુલચંદ માર્કેટના વેપારી પાસેથી અગાઉ 17.52 લાખની સાડી ખરીદી પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સુરત: શહેરના રીંગરોડ સ્થિત મુલચંદ માર્કેટના વેપારી પાસેથી બે વર્ષ અગાઉ રૂ.17.52 લાખની સાડી ખરીદી ત્રિપુરાના બે વેપારીએ પેમેન્ટ ચુકવવાને બદલે ધમકી આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડુમસ રોડ રૂંઢગામ મેપલ લિફ ખાતે રહેતા મૂળ હરિયાણાના 40 વર્ષીય દિપકભાઈ બજરંગલાલ સિંધલ રીંગરોડ સ્થિત મુલચંદ માર્કેટમાં સાડીની દુકાન ધરાવે છે. દિપકભાઈ પાસેથી ગત જાન્યુઆરી 2018 માં ત્રિપુરા અગરતલા સેટરલ રોડ ખાતે આર.કે. ટેક્ષટાઈલના નામે ધંધો કરતા રૂપકકુમાર સાહા અને પ્રેમકુમાર શર્માએ કુલ રૂ.17,52,314 ની મત્તાની સાડી ખરીદી હતી.
બંનેએ સાડીનો જથ્થો અન્ય વેપારીઓને વેચી પેમેન્ટની ઉઘરાણી પણ કરી લીધી હતી, પરંતુ દિપકભાઈને પેમેન્ટ ચુકવ્યું નહોતું. દિપકભાઈએ પેમેન્ટની ઉઘરાણી કરતા બંનેએ ગાળગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આખરે તેમણે આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.