ગુજરાત
News of Wednesday, 17th February 2021

વડોદરા:કારેલીબાગ વિસ્તારમાં બાઈક પર આવેલ ત્રણ શખ્સો વિદ્યાર્થીને આતંરી બે ચેન લૂંટી ફરાર થઇ જતા ગુનો દાખલ

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગઇરાતે વાહનોની અવરજવર વચ્ચે બાઇક પર ત્રણ સવારી આવેલા અછોડાતોડોએ એક વિદ્યાર્થીને આંતરી બે ચેન લૂંટી લીધી હતી.

બાજવાડામાં રહેતો અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો શિવાંગ પુરાણી ગઇરાતે તેના મિત્રોને મળવા ફતેગંજ ગયો હતો.કર્ફ્યુનો અમલ થાય તે પહેલાં તે રાતે સવાદસેક વાગે તે સ્કૂટર પર પરત ફરી રહ્યો હતો.

વિદ્યાર્થી કારેલીબાગ શિવાલય ચાર રસ્તા થી સ્વિમિંગ પુલ વાળા રસ્તે પસાર થતો હતો ત્યારે બાઇક પર આવેલા ત્રણ જણાએ તેને આંતર્યો હતો અને વચ્ચે  બેઠેલાએ શિવાંગના ગળામાંથી દોઢ તોલાની બે ચેન લૂંટી લીધી હતી.

લૂંટારાએ શિવાંગને ધક્કો મારી દેતાં તે પડી ગયો હતો અને ઉભો થાય ત્યાં સુધી ત્રણેય લૂંટારા હીરાવંતી ચેમ્બર તરફ ભાગી છૂટયા હતા.કારેલીબાગ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તપાસતાં બાઇક સવાર ત્રણેય અછોડાતોડો કેમેરામાં કેદ થયા હોઇ તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:35 pm IST)