ગુજરાત
News of Wednesday, 17th February 2021

બેટા બધુ બરાબર ચાલે છે ને, કોઇ તકલીફ તો નથી ને ? સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં 2010માં નરેન્‍દ્રભાઇ મોદીએ ભાજપના ઉમેદવારને ફોન કરીને પૂછ્‍યુ હતુ

રાજપીપળા: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે.એક તરફ ભાજપ તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે સભાઓ ગજવી રહ્યા છે અને રેલીઓ કાઢી રહ્યા છે.

છેલ્લા 10 વર્ષથી ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ભાજપમાં બળવાખોરોની સંખ્યા વધી રહી છે. એનું એક જ કારણ છે કે, ગુજરાત ભાજપના બની બેઠેલા નેતાઓની કાર્યકરો પર પક્કડ નથી રહી. એમ કહીએ તો બિલકુલ ખોટું નથી કે, ભાજપના નેતાઓ કાર્યકરોની રીતસરની અવગણના કરે છે. આજ કારણે હાલ ભાજપમાં બળવાખોરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

આજથી 10 વર્ષ પહેલાંની વાત કરીએ તો, ભાજપમાં કાર્યકરો પાર્ટીનો નિર્ણય સર્વોપરી માની મનદુઃખ ભૂલી જઈ કામેં લાગી જતા હતા. એનું એક જ કારણ કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની એમના કાર્યકરો પર મજબૂત પકડ અને કાર્યકરોનો નરેન્દ્ર મોદી પરનો વિશ્વાસ.

હાલ ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં વર્ષ 2010નો એક કિસ્સો યાદ કરવો રહ્યો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાંદોદ તાલુકા પંચાયતના ભાજપના સૌથી યુવાન ઉમેદવારને ફોન કર્યો અને પૂછ્યું હતું કે- બેટા બધું બરાબર ચાલે છે ને કોઈ તકલીફ તો નથી ને”?

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને નાંદોદ તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા દિવ્યેશ વસાવાએ આ કિસ્સો યાદ કરતા કહ્યું કે, વર્ષ 2010માં મને 20 વર્ષેની ઉંમરે પાર્ટીએ તાલુકા પંચાયતની ટિકિટ આપી હતી. હું જિલ્લાનો સૌથી યુવાન ઉમેદવાર હતો. લગભગ બપોરનો સમય હશે અને મારા મોબાઈલ પર એક ફોન આવ્યો, સામે છેડેથી મને જણાવ્યું દિવ્યેશભાઈ વસાવા તમારી સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વાત કરશે. જે બાદ નરેન્દ્ર મોદીએ મને પૂછયું-બેટા દિવ્યેશ ત્યાંના હાલચાલ કેવા છે; પ્રચાર બરાબર ચાલે છે ને, તારા મત વિસ્તારમાં કેટલા બુથ સંવેદનશીલ છે? ગભરાતો નહીં કોઈ પણ તકલીફ પડે તો અડધી રાત્રે ફોન કરજે.

દિવ્યેશ વસાવાએ જણાવ્યું કે, મને તો વિશ્વાસ પણ નહતો કે ખુદ નરેન્દ્ર મોદી મને ફોન કરશે. એમનો ફોન આવ્યો અને મારો વિશ્વાસ વધી ગયો અને ડબલ જુસ્સામાં જીતના વિશ્વાસ સાથે હું ચૂંટણી પ્રચારમાં લાગી ગયો, અને હું જીત્યો પણ ખરો.

આ કિસ્સા પરથી એક બાબત એ સાબિત થાય છે કે, નરેન્દ્ર મોદીનો પડતો બોલ કાર્યકર એમનેમ નહીં જીલતા હોય.એમની કાર્યકરો પ્રત્યેની સતત ચિંતાએ જ ભાજપ કાર્યકરોના દિલમાં નરેન્દ્ર મોદીએ આગવું સ્થાન બનાવ્યું છે.

(5:15 pm IST)