ગુજરાત
News of Wednesday, 17th February 2021

અંતે અમદાવાદના જાણીતા ફરારી ડોકટર નરેશ મલ્હોત્રાની ધરપકડ

દોઢ કરોડના બિલો પાસ કરાવવા માટે ૧૦ ટકા લાંચની માંગણી કર્યાનો આરોપ હતો : સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા જામીન ન મળતા વચેટયાની ભૂમિકા ભજવનાર તબીબ પર એસીબી ત્રાટકી : ગુજરાતની તબીબ આલમમાં ખળભળાટ

રાજકોટ,તા. ૧૭: કોરોના મહામારી સમયે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓના બિલો નિયમ મુજબ અમદાવાદના ડેપ્યુટી હેલ્થ ઓફિસર પાસે પાસ કરાવવાના હોય છે. આવા દોઢ કરોડ રૂપિયાના બિલો પાસ કરાવવા માટે ૧૦ ટકા રકમ લાંચની માંગણી કરવાનો જેમના પર આરોપ હતો તેવા નાસતા ફરતા અમદાવાદના ડોકટર નરેશ મલ્હોત્રાની એસીબી દ્વારા ધરપકડ થતાં ખળભળાટ મચી ગયો છે.

આ ગુનાનાં કામના ફરીયાદી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા થયેલ (M.O.U) મુજબ સરકારશ્રીના રેફરન્સથી કોવિડ-૧૯ ની સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓની કરેલ સારવારના બિલો પાસ કરાવવા અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફીસર સમક્ષ રજુ કરવામાં આવતા હોય છે. જે બિલો પાસ કરાવવાના કામે ડો.નરેશ મલ્હોત્રા (પ્રજાજન) આદિત્ય હોસ્પિટલ, ભુયંગદેવ ચાર રસ્તા, સોલા, અમદાવાદનાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફીસર વતી બિલની રકમ આશરે (અંદાજીત) રૂ.૧,૫૦,૦૦,૦૦૦/- ના બિલના ૧૦%ની રકમની લાંચની માંગણી કરતા હોય ફરીયાદીએ એ.સી.બી. માં ફરીયાદ આપતાં આક્ષેપિત ડો.નરેશ મલ્હોત્રા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ૧૯૮૮ (સુધારા-૨૦૧૮)ની કલમ-૭(A) મુજબ અમદાવાદ શહેર એ.સી.બી પો.સ્ટે.માં તેઓ વિરૂધ્ધ ડીમાન્ડનો ગુનો રજીસ્ટર થયેલ ત્યારથી તેઓ નાસતા-ફરતા હતા.

આરોપી ડો,નરેશ મલ્હોત્રાએ પોતાની અટકાયત થી બચવા માટે નામદાર સેશન્સ કોર્ટ, અમદાવાદ ખાતે આગોતરા જામીન અરજી કરેલ હતી પરંતુ આરોપી ડો.નરેશ મલ્હોત્રાએ સરકારી કર્મચારી ડો.અરવિંદ પટેલ (Dy. H.O, A.M.C)નાં વચેટીયા તરીકેનો એકટીવ રોલ ભજવ્યો હોવાનું અને હાલ માં કોવીડ-૧૯ જેવી મહામારીનાં કપરા સમયમાં આરોપી નરેશ મલ્હોત્રા એ એક ડોકટર હોઇ સરકાર દ્વારા કોવીડનાં દર્દીઓની સારવારઅર્થે ચુકવાતા નાણાં માંથી થતાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ હોવાનું અવલોકન નામદાર સેશન્સ કોર્ટે કરેલ અને આરોપીના આગોતરા જામીન 'રિજેકટ' કરેલ હતા.

ત્યારબાદ પોતાની અટકાયત ટાળવા માટે આરોપી ડો.નરેશ મલ્હોત્રાએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી, જેમાં સુનાવણી દરમ્યાન ગુનાની ગંભીરતાને જોઇ નામદાર ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ જણાતાં આરોપીનાં વકીલ દ્વારા આગોતરા જામીન અરજી પાછી ખેંચી લેતા આરોપી ડો.નરેશ મલહોત્રા એ.સી.બી. સમક્ષ હાજર થતાં આરોપીને નામદાર ગુજરાત હાઇકોર્ટની કોવીડ-૧૯ની ગાઇડ લાઇન હેઠળ આગળની કાર્યવાહી કરાવી તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(3:57 pm IST)