ગુજરાત
News of Wednesday, 17th February 2021

વડોદરામાં કોંગ્રેસે તેના ઘોષણાપત્રમાં ડેટીંગ સેન્‍ટર બનાવવા કહ્યું : ભાજપે કહ્યું જેવા સંસ્‍કાર તેવો ઢંઢેરો

 

વડોદરા : કોંગ્રેસે તેના ઘોક્ષણાપત્રમાં યુવાનો માટે ડેટીંગ સેન્ટર બનાવવા કહ્યું આથી ભાજપે કટાક્ષ કરતા કહ્યુ છે કે જેવા સંસ્કાર તેવો ઢંઢરો વિસ્તૃત વિગતો જોઇઅે તો  સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસ દ્વારા જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે, તેને લઈને ભાજપે કટાક્ષમાં કહ્યું છે કે જેવા સંસ્કાર તેવો જ ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ વિવાદ એટલે વધ્યો છે કેમ કે કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં આપણું વડોદરા, આઇકોનિક વડોદરાના સ્લોગન સાથે એક ડેટ ડેસ્ટિનેશન સેન્ટર બનાવવાનું વચન આપ્યું છે.

મહત્વનું છે કે વડોદરાને ગુજરાતની સંસ્કાર નગરી પણ કહેવામાં આવે છે, અને જો કે આ સંસ્કાર નગરીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં શહેરના યુવાનો માટે ડેટિંગ ડેસ્ટિનેશન સેન્ટર બનાવવાનો વાયદો કર્યો છે, અને આ જ વાતને લઈને ભાજપે એવો કટાક્ષ કર્યો છે કે કોંગ્રેસના જેવા સંસ્કાર છે એવો જ ઢંઢેરો આપવામાં આવ્યો છે.

વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલનું કહેવું છે કે યુવા વર્ગને પણ જીવન જીવવાનો અધિકાર છે, જે કેફે સેન્ટર છે તેને સરકારે બંધ કરી દીધા છે અને આમ પણ અમીર છોકરાઓ જ કેફે સેન્ટરમાં જઈ શકતા હોય છે, ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓ ક્યાં જાય? આને ધ્યાનમાં રાખીને જ અમે સરકારમાં આવીને એવી વ્યવસ્થા કરીશું કે જ્યાં તે શાંતિથી બેસી શકે.

વડોદરામાં ભાજપના પૂર્વ મેયર ભરત ડાંગાએ કહ્યું હતું કે કોંગ્રેસના જેવા સંસ્કાર છે તેવો જ ઢંઢેરો છે, વડોદરાને સંસ્કાર નગરી કહે છે, અહીં ભાજપે બાગ બગીચા લોકો અને બાળકોને રમત અને ફિટનેસ માટે બનાવ્યા છે, હું માનું છું કે કોંગ્રેસે આ વાયદો રાહુલ ગાંધીના કહેવા પર જાહેર કર્યો હશે.

વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, ભાજપ અહીં બધી સીટો એટલે કે મિશન 76ની સાથે મેદાનમાં ઉતરી છે અને કોંગ્રેસના મેનિફેસ્ટોમાં બનો કોંગ્રેસના સપોર્ટર, ચુનો કામના કોર્પોરેટર' ની થીમ આપી છે, આમ બંને પક્ષો વચ્ચે આ વખતે સીધી લડાઈ છે.

(9:17 am IST)