ગુજરાત
News of Sunday, 17th January 2021

વિરમગામ તાલુકામાં ૮૨ કોરોના વોરીયર્સે કોવીશીલ્ડ રસી લીધી, ૨૪ કલાક પછી પણ કોઇ સાઇડ ઇફેક્ટ નહી

સરકારી આરોગ્ય કર્મચારીઓ, અધીકારીઓ અને જાણીતા પ્રાઇવેટ ડોક્ટર્સોએ પ્રા.આ.કેન્દ્ર મણીપુરા ખાતે કોવીશિલ્ડ રસી લીધી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો દેશભરમાં ૧૬મી જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મણીપુરા ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત વિરમગામના જાણીતા પ્રાઇવેટ ડોક્ટર્સોએ પણ કોવિશીલ્ડ રસી લીધી હતી. વેક્સીનેટર તરીકે રાધાબેન ઠાકોરે ઉમદા સેવાઓ આપી હતી અને કુલ ૮૨ કોરોના વોરીયર્સને કોવીશીલ્ડ રસી આપી હતી. કોવીશીલ્ડ રસી લીધાના ૨૪ કલાક બાદ પણ વિરમગામ તાલુકામાં કોઇ પણ કોરોના વોરીયર્સને કોઇ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી.

 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરાના ડૉ.રવિન્દ્રસિંહ વાઘેલાએ જમાવ્યુ હતુ કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે શનિવારે વિરમગામ તાલુકાના કુલ ૮૨ કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને કોવીશીલ્ડ રસીને પ્રાથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને તેઓને ૩૦ મીનીટ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. કોરોના વાયરસ સામે રક્ષણ આપતી કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધાના ૨૪ કલાક બાદ પણ કોઇ પણ વ્યક્તિમાં સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી.

 કોવીશીલ્ડ રસી લેનાર ડૉ.પ્રકાશ સારડા અને ડૉ.નયના સારડાએ જણાવ્યુ હતુ કે, કોવીશીલ્ડ વેક્સીનો પ્રથમ ડોઝ લીધા પછી અમને કોઇ સાઇડ ઇફેક્ટ થઇ નથી. મણીપુરા ખાતે અમે કોરોના સામે રક્ષણ આપતી કોવીશીલ્ડ વેક્સિન લીધી છે અને ૨૮ દિવસ પછી બીજો ડોઝ પણ લેવાના છીએ.

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ફરજ બજાવતા નીલકંઠ વાસુકિયાએ જણાવ્યુ હતુ કે, મે ૧૬/૦૧/૨૦૨૧ના રોજ બપોરે ૦૨:૫૦ વાગ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે કોવિડ-૧૯ની કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ  સફળતાપૂર્વક લીધો છે. રસી મેળવ્યાં બાદ કોઇપણ પ્રકારની તકલીફ થઇ નથી અને ૨૮ દિવસ પછી કોવીશીલ્ડ રસીનો બીજો ડોઝ પણ લેવાનો છુ.

(5:06 pm IST)