ગુજરાત
News of Sunday, 17th January 2021

સીજી રોડના ગોલ્ડન ટાઈમ શોરૂમમાંથી 25 લાખની રાડો કંપનીની ઘડિયાળોની ચોરી

સીસીટીવીમાં કેદ થયેલા 7 ચોરોએ ઉતરાયણના દિવસે સવારે ચોરીને અંજામ આપ્યો

અમદાવાદ : ઉતરાયણના દિવસે સીજી રોડના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા ગોલ્ડન આઈ શો રૂમમાંથી 7 તસ્કરો રૂ.25 લાખની કિંમતની રાડો કંપની સહિત બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળોની ચોરી કરી ફરાર થઈ ગયા છે. સીસીટીવીમાં કેદ થયેલા 7 ચોરોએ ઉતરાયણના દિવસે સવારે 7 થી 7.30 વાગ્યાના સમય દરમિયાન ચાદરની આડમાં શોરૂમના લોક તોડી એક સાગરીતને અંદર મોકલ્યો હતો. બે દિવસની રજા બાદ શો રૂમ ખુલ્યો ત્યારે ચોરીની ઘટનાની જાણ થઈ હતી.

 ઉત્તરાયણના અને વાસી ઉત્તરાયણના તહેવાર હોવાથી બે દિવસ માટે ગોલ્ડન આઈ શો રુમ બંધ રાખવામાં આવ્યો હતો. ગત બુધવારે રાત્રે શોરૂમ બંધ કર્યા બાદ આજે શનિવારે સવારે કર્મચારીઓ શો રૂમ આવ્યા ત્યારે લોક તૂટેલા હતા. શોરૂમના કબાટ અને કેશ કાઉન્ટરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો

 

ચોરી થયાની ઘટના અંગે શોરૂમના કર્મચારીઓએ બનાવની જાણ પોલીસને કરી હતી. નવરંગપુરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા સીસીટીવીમાં 7 યુવકો શોરૂમની બહાર ઉતરાયણના દિવસે પરોઢે 7 વાગ્યે જોવા મળ્યા હતા. આ યુવકોમાંથી એક યુવક ચાદર પહોળી કરી ઉભો રહે છે. બીજા 6 યુવકો ચાદરની આડમાં નીચે બેસી શોરૂમના લોક તોડતા જોવા મળ્યા હતા. લોક તોડ્યા બાદ એક સાગરીતને શોરૂમની અંદર મોકલી ઘડિયાળોની ચોરી કરાવે છે.

તસ્કર યુવકો રાડો, ટોમી જેવી બ્રાન્ડેડ કંપનીની રૂ.25 લાખની મત્તાની ઘડિયાળોની ચોરી કરી હોવાની વિગતો પોલીસને મળી હતી. નવરંગપુરના ઇન્ચાર્જ પીઆઇ વી.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, ગોલ્ડન આઈ શોરૂમમાં રૂ.25 લાખની ચોરી થઈ છે. ઉત્તરાયણની રજાનો લાભ લઇ સવારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે

(9:21 pm IST)