ગુજરાત
News of Friday, 17th January 2020

બજેટ : અમદાવાદ માટે બે નવી કંપનીની રચના કરાઇ

બંને કંપનીઓ માટે દસ કરોડની ફાળવણી કરાઈ : એક કંપની અમદાવાદ સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ કંપની તો બીજી કંપની વૈશ્વિક કક્ષાની રમતનું નેટવર્ક ઉભુ કરશે

અમદાવાદ, તા.૧૭ : વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં અમદવાદ શહેરના ઇતિહાસમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા સૌપ્રથમવાર બે નવી કંપનીઓની રચના કરવાની જાહેરાત કરી હતી. જેમાં અમદાવાદ સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ કંપની અને અમદાવાદ સ્પોર્ટ્સ પ્રમોશન કંપનીની મહત્વની જાહેરાત કરાઇ હતી. આ બંને કંપનીઓ પૈકી અમદાવાદ સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ કંપની અમદાવાદ સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ કંપની જાપાનની જેમ હાઇસ્પીડ રેલ્વેને અનુરૃપ સમતોલ વિકાસ કરશે તો, બીજી અમદાવાદ સ્પોર્ટ્સ પ્રમોશન કંપની  વૈશ્વિક કક્ષાની રમતગમતનું નેટવર્ક ઉભુ કરશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બંને કંપનીઓ માટે નવા વર્ષના બજેટમાં પ્રારંભિક તબક્કે રૃ.દસ-દસ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદ સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ કંપની ભારત સરકારના નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિ. સાથે મળીને અમદાવાદ-સાબરમતી રેલ્વે સ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં જાપાનની જેમ હાઇસ્પીડ રેલ્વેને અનુરૃપ સમતોલ વિકાસની બહુ મહત્વની કામગીરી હાથ ધરશે.

         જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૫૦ ટકા અને રાજય સરકારના ૫૦ ટકાના સંયુકત સાસથી અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપનીની રચના કરવામાં આવી છે. જે શહેરના યુવાનોને ઇન્ટરનેશનલ સ્તરનું રમતગમત પ્લેટફોર્મ પૂરું પાડવા તેમ જ નેશનલ કોચ દ્વારા જુદી જુદી રમતગમતમાં માર્ગદર્શન અને તાલીમ પૂરું પાડવાનું આયોજન હાથ ધરાયું છે.  આ કંપની અમ્યુકો દ્વારા બનાવવામાં આવેલા સ્પોર્ટસ સંકુલ, જીમ્નેશીયમ, સ્નાનાગર, ટેનીસ કોર્ટ, વોલીબોલ કોર્ટ વગેરનું સંચાલન પણ કરશે. આ બંને કંપનીઓ માટે વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં પ્રાથમિક તબક્કે રૃ.દસ- દસ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

(8:54 pm IST)