ગુજરાત
News of Thursday, 17th January 2019

ગુજરાતના કુલ ૩૬ર સંરક્ષીત સ્મારકો પૈકી ર૧૦ સૌરાષ્ટ્રમાં છતાં જાળવણીમાં બેદરકારી

પુરાતત્વ ખાતામાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરાતી નથીઃ સૌરાષ્ટ્રના આ અમુલ્ય સ્મારકોની દેખરેખ કરે છે માત્ર એક જુનીયર કારકુન

અમદાવાદ, તા., ૧૭: તમે જાણો છો?  ગુજરાતમાં 'આરક્ષીત' ૩૬ર જગ્યાઓમાંથી સૌરાષ્ટ્રમાં જ ર૧૦ સાઇટ આવેલી છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે આ બહુમુલી સાઇટોની જાળવણી માટે પુરાતત્વ ખાતાના ૧ કારકુન પાસે હવાલો છે. અપુરતા સ્ટાફને કારણે આ સાઇટોની દેખરેખ  અને જાળવણીનું કામ મુશ્કેલ છે. પુરાતત્વ ખાતામાં વર્ષોથી અનેક જગ્યાઓ ખાલી છે જે ભરાતી નથી.

પાછલા વર્ષે એપ્રિલમાં જૂનાગઢમાં આવેલા ૧૨૦ વર્ષ જૂના મહોબત ખાન મકબરાના ચાંદીના દરવાજા અને એન્ટિક ગ્રિલની ચોરીનો રિપોર્ટ બાદ રાજયનું પુરાતત્વ વિભાગ બેબાકળું થઈને જાગ્યું હતું. આવી જ રીતે ગોંડલ નજીક ખંભાલીડામાં આવેલી ૧૮૦૦ વર્ષ જૂની બૌદ્ઘ ગુફાનો સ્લેબ પડી ગયો ત્યારે પણ પુરાતત્વ વિભાગ અંધારામાં હતો.

રાજયમાં ૩૬૨ આરક્ષિત સાઈટમાંથી માત્ર સૌરાષ્ટ્રમાં જ ૨૧૦ આરક્ષિત સ્મારકો આવેલા છે, તેમ છતાં વિભાગના પેટનું પાણી હલતું નથી. આ બધા આરક્ષિત સ્મારકોની જાળવણી માટે માત્ર એક જ જુનિયર કલાર્ક છે, જે રાજકોટમાં આવેલી રિકેટી બિલ્ડીંગમાં બેસે છે. પાછલા એક દાયકાથી વિભાગમાં ૧૦ જેટલી પોસ્ટ ખાલી પડી છે, જેમાં સૌથી જરૂરી એવી આસિસ્ટન્ટ ડિરેકટરની પોસ્ટ પણ છે.

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં આવેલી પુરાતત્વ સાઈટ્સના મેઈન્ટેનન્સ અને નિભાવવાની જવાબદારી ગાંધીનગર અને અમદાવાદના કેટલાક ઓફિસરોને આપવામાં આવી છે. પ્રાચીન સ્મારકોનું રક્ષણ કરવામાં મુખ્ય ભૂમિકા નીભાવતા ટેકનિકલ અને રિપેરિંગ સ્ટાફની પોસ્ટ ખાલી પડેલી છે. સૂત્રોએ જણાવ્યું કે, ફુલટાઈમ આસિસ્ટન્ટ ડિરેકટરની પોસ્ટ પાછલા ૩ વર્ષથી ખાલી પડી છે અને તેનું કામકાજ આર્કિયોલિજિકલ વૈજ્ઞાનિક વી.ટી ફળદુ દ્વારા જોવામાં આવે છે. તેઓ આ ઉપરાંત વધારાનું આર્કિયોલોજી સુપ્રીટેન્ડેન્ટનું કામ પણ સંભાળે છે.

એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, પૂરતા સ્ટાફ વિના આટલા મોટા પ્રમાણમાં સ્મારકોની દેખરેખ અને સિકયોરિટી કરવી અશકય છે. અમે માત્ર મીડિયા રિપોર્ટ મળ્યા બાદ ત્યાં પહોંચીએ છીએ. સૌરાષ્ટ્ર ડિવિઝનમાં રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ-દ્વારકા, મોરબી, સુરેન્દ્ર નગર, ભાવનગર અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે.  આર્કિયોલોજી અને મ્યૂઝિયમ વિભાગના ડિરેકટર પંકજ શર્માનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે, અમે ખાલી પડેલી જગ્યાઓ માટે GPSC દ્વારા જાહેરાત આપી છે અને આશા છે કે આ વર્ષ સુધીમાં તે ભરાઈ જશે. સ્મારકોની જાળવણી વિશે શર્માએ કહ્યું કે, સ્ટાફની અછત હોવાના કારણે અમે પ્રાથમિકતા નક્કી કરી રહ્યા છીએ. દરેક સ્મારકની જાળવણી માટે અમારે ખાલી જગ્યાઓ ભરવી પડશે. સૂત્રોએ જણાવ્યું કે, ડિપાર્ટમેન્ટના સ્ટાફને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે- ટેકનિકલ, સેકન્ડ અને એડમિનિસ્ટ્રેટિવ કેટેગરી. માત્ર સૌરાષ્ટ્ર ડિવિઝનમાં આસિસ્ટન્ટ ડિરેકટર, સુપ્રીટેન્ડેન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, એકસપ્લોરેશન આસિસ્ટન્ટ અને ફોટોગ્રાફર કમ-ડ્રાફટમેનની પોસ્ટ ખાલી છે અને ગાંધીનગર તથા અમદાવાદના જુદા જુદા વ્યકિતઓ તેમના કામ સાથે ટેમ્પરરી ચાર્જ સંભાળે છે. (૪.ર)

(11:44 am IST)