ગુજરાત
News of Wednesday, 17th January 2018

ગાંધીનગર: ઓએનજીસીની મુખ્ય લાઈનમાં પંક્ચર પાડી ઓઈલ ચોરીનું કૌભાંડ પોલીસે બાતમીના આધારે ઝડપ્યું: 10.32 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

ગાંધીનગર:જિલ્લામાંથી પસાર થતી ઓએનજીસીની મુખ્ય લાઈનમાં પંકચર પાડીને ઓઈલ ચોરી થતી રહી છે ત્યારે કલોલ તાલુકાના ઓળા જંકશન પાસે ગોમતીબા ફાર્મહાઉસની જમીનમાંથી ઓઈલ ચોરી થતી હોવાની બાતમીના આધારે  ગાંધીનગર આરઆર સેલની ટીમે દરોડો પાડીને એક આરોપીને ૧૦.૩૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને અન્ય આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.  

ગાંધીનગર રેન્જ વિસ્તારના મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી ઓએનજીસીની પાઈપલાઈનોમાં ઘણી જગ્યાએ પંકચર પાડીને ઓઈલની ચોરી થતી હોય છેત્યારે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાની સૂચનાના આધારે આરઆર સેલના પીએસઆઈ બી.આર.રબારી અને તેમની ટીમે આવા ગુનાઓ શોધવા માટે દોડધામ શરૃ કરી હતી દરમ્યાનમાં તેમને બાતમી મળી હતી કે કલોલ શહેર ટીપી રોડ નં.૩ ઓળા જંકશન પાસે આવેલ ઈશ્વરભાઈ અંબાલાલ પટેલ રહે.કલોલ કલ્યાણપુરાવાળાઓના ગોમતીબા ફાર્મહાઉસની જમીનમાંથી ઓએનજીસીના ક્રુડ ઓઈલની ટ્રંકલાઈન પસાર થાય છે જે લાઈનમાં પંકચર કરીને ફાર્મહાઉસના માલિક ઈશ્વરભાઈ પટેલ, નીતિન ઉર્ફે પીન્ટુ નાયક રહે.કલ્યાણપુરા, સિકંદર દાદામીયાં સોલંકી રહે.ટાકોદી, જિ.પાટણ અને ઘનશ્યામ ઉર્ફે ઝેણીયો સોની રહે.મહેસાણા ઓઈલની ચોરી કરે છે. આ બાતમીના આધારે આરઆર સેલની ટીમે દરોડો પાડતાં નીતિન નાયક સ્થળ ઉપરથી મળી આવ્યો હતો

જ્યારે તેની પુછપરછમાં ખેતર માલિક ઈશ્વર પટેલ અને સિકંદરખાન તથા ઘનશ્યામ દ્વારા એક મહિના અગાઉ ઓઈલની પાઈપમાં પંકચર કરવા ટીપી રોડ સાઈડની ગટર લાઈનના ચેમ્બરમાં થઈ ક્રુડ ઓઈલની પાઈપલાઈન સુધી ભોયરૃ બનાવી પાઈપલાઈનમાં પંકચર પાડી તેમાં વાલ્વવાળી પાઈપો લગાડી ઈલેકટ્રીક મોટર પંપ વડે ઓઈલ કાઢવામાં આવતું હતું. પોલીસે આ સ્થળેથી એક આઈશર ટ્રક નં.જીજે-ર૪-એકસ-ર૯પ૬ ઝડપી પાડયો હતો. તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી  કુલ ૧૦.૩૨ લાખ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે ઓએનજીસીના ડીજીએમની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

(6:48 pm IST)