ગુજરાત
News of Thursday, 16th December 2021

સુરતના કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દિપક રઘુ બારૈયાની હત્યા

પાલિકાના શૌચાલયની સામે પાર્કિંગને લઈ વિવાદ થતા દિલીપ મધ્યસ્થી બની સમાધાન કરાવ્યુ :ત્યારબાદ દોઢ કલાક પછી રઘુ ભરવાડ અને એની મંડળીએ અચાનક હુમલો કર્યો

સુરતના કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દિપક રઘુ બારૈયાની પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર જાગી છે,બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી વિગત મુજબ દિલીપ દેવીપૂજક માથાભારે પ્રકૃતિનો હતો અનેક જમીનોમાં વિવાદ ઊભો કરી સમાધાન કરવા ઉપરાંત ખંડણીના પણ અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા. જો કે, હત્યાનું કારણ કાપોદ્રા પોલીસ તપાસમાં જ બહાર આવશે.

ભાવેશ રઘુભાઈ બારૈયા (મૃતક દિપક ઉર્ફે દિલીપનો નાનોભાઈ) એ જણાવ્યું હતું કે, દિલીપની કાયમી બેઠક છે. સાંજે પાલિકાના શૌચાલયની સામે પાર્કિંગને લઈ વિવાદ થયો હતો. દિલીપ મધ્યસ્થી બની સમાધાન કરાવ્યુ હતું. ત્યારબાદ દોઢ કલાક પછી રઘુ ભરવાડ અને એની આણી મંડળીએ અચાનક હુમલો કર્યો હતો. દિલીપની સાથે મયુર, અનિલને પણ માર માર્યો હતો. દિલીપ પર હુમલો થયા બાદ એના બીજા મિત્રો મુકેશ દારૂવાલા, 2-3 પોલીસ વાળા ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. મૂળ તળાજા ભાવનગરના રહેવાસી દિલીપ ઉર્ફે દિપકને ચાર ભાઈઓ, એકની એક બહેન અને માતા-પિતા સાથે રહે છે.

મયુર અને અનિલ ભાગી જવામાં સફળ રહ્યા હતા. દિલીપ પકડાઈ જતા એની ઉપર તલવાર, ચપ્પુ અને ફટકા વડે હુમલો કરી માથા, મોઢા અને છાતીના ભાગે ઘા મરાયા હતા. દિલીપની હત્યા કરાયા બાદ એના દાગીનામાં 6 વીંટી, 200 ગ્રામની એક ચેઇન, અને બીજી 4 ચેઇન ગુમ છે. જેનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી કરાયો એ પણ એક સવાલ છે. ઘટનાને નજરે જોનાર પાર્કિગવાળો અને દિલીપના બે મિત્રો સાક્ષી છે. હુમલાનો માસ્ટર માઈન્ડ રઘુ ભરવાડ બુલેટ પર પાછળ અજાણ્યાને બેસાડીને આવ્યો હતો. બીજા છકડા સહિતના વાહનમાં આવ્યા હતા. રઘુને ભાગતા બધાએ જોયો છે, અને છકડાનો PCR વાને ફિલ્મી ઢબે પીછો કરી 3 જણાને ઝડપી પાડ્યા છે.

4-5 વર્ષ પહેલા રચના મરઘા કેન્દ્ર પાસે પોપડાની જમીન પર ગેરકાયદે કબજો કરનાર રઘુનું ઝૂંપડું દિપક ઉર્ફે દિલીપે ખાલી કરાવ્યું હતું. એ દિવસથી બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. આજદિન સુધીમાં 4-5 વાર ઝઘડા થઈ ચૂક્યા છે. લગભગ 3 વર્ષ પહેલાં કિમમાં વિક્કી સોનીની હત્યા કેસમાં રઘુનું નામ ખુલ્યાં બાદ રઘુએ દિલીપને વચ્ચે ન પડવા ફોન પર ધમકી પણ આપી હતી. રઘુ સામે કાપોદ્રા અને લસકાણા કામરેજ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ પણ નોંધાયા છે.

(8:18 pm IST)