ગુજરાત
News of Thursday, 16th December 2021

સુરતના અડાજણ વિસ્તારમાં દમણથી આવતી દારૂ ભરેલ કાર ઝડપી પોલીસે 4.85 લાખનો જથ્થો જપ્ત કર્યો

સુરત: અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ અડાજણ પોલીસ પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંત્તરે ગોવર્ધન પાર્ક સોસાયટીમાં દરોડા પાડી પોલીસે ઘર અને કારમાંથી વિદેશી બનાવટના રૂ. 4.85 લાખના દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર સહિત બેને ઝડપી પાડી કુલ રૂ. 14.94 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અડાજણ પોલીસ સ્ટેશનના પો.કો હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ અને વિજયસિંહને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંત્તરે સેન્ટ માર્ક સ્કૂલની સામે ગોવર્ધન પાર્ક સોસાયટીના ઘર નં. એ 10 માં અને આંગણામાં પાર્ક હુન્ડાઇ કાર નં. જીજે-5 આરએચ-5098 ની તલાશી લીધી હતી. જે અંતર્ગત પોલીસને ઘર અને કારમાંથી વિદેશી બનાવટના દારૂની બોટલ અને પાઉચ મળી કુલ 3896 નંગ કિંમત રૂ. 4.85 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘર માલિક ફાલ્ગુની જયેશ રેતીવાલા (ઉ.વ. 44 મૂળ રહે. મોડલ ટાઉન સોસાયટી, કબૂતરના ચબૂતરા પાસે, ડુંભાલ રોડ, પરવટ પાટીયા) અને કારમાં દારૂનો જથ્થો લઇને આવનાર અશોક નમુભાઇ પટેલ (ઉ.વ 53 રહે. કોળીવાડ, બલીઠા, તા. વાપી, જિ. વલસાડ) ની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ રૂ. 14.94 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી દારૂનો ધંધો કરનાર ફાલ્ગુની વિરૂધ્ધ વાપી ટાઉન અને લિંબાયત પોલીસમાં ત્રણ જયારે અશોક વિરૂધ્ધ વાપી ટાઉન પોલીસમાં સાત ગુના નોંધાયા છે. ફાલ્ગુની અગાઉ પરવટ પાટીયાની મોડલ ટાઉન સોસાયટીમાં રહેતી હતી અને થોડા સમય અગાઉ જ અડાજણ વિસ્તારમાં રહેવા આવી હતી. 

(5:42 pm IST)