ગુજરાત
News of Thursday, 16th December 2021

ખેડા જિલ્લામાં સર્જાયેલ બે જુદા જુદા અકસ્માતમાં એકનું મોત:ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ : ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળે અકસ્માતો સર્જાયા હતા.કઠલાલના જીતપુરા સ્મશાનથી આગળના રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જ્યારે મહુધાના વડથલમાં અકસ્માત સર્જાયો હતો.બંને અકસ્માતોના બનાવોમાં એક વ્યક્તિનુ મોત નિપજયુ હતુ જ્યારે ત્રણ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.

પેટલાદના ચાંગા સીમ વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ બારૈયા અને મહેશભાઇ પરમાર વાવના મૂવાડા ગામે પ્રસંગમાં ગયા હતા.પ્રસંગ પૂર્ણ કરી બંને વ્યક્તિઓ ઘરે જવા નિકળ્યા હતા.તે સમયે જીતપુરા સ્મશાનથી આગળ જતા હતા તે સમયે મહેશભાઇએ મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલ રોડની સાઇડમાં આવેલ માઇલ સ્ટોલ સાથે અથડાયુ હતુ.જેથી મોટર સાયકલ પર સવાર બંને વ્યક્તિઓ રોડ ઉપર પટકાયા હતા.જેમાં મહેશભાઇ શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યા ફરજ પરના તબીબી અધિકારીએ મહેશભાઇને મૃત જાહેર કર્યા હતા.જ્યારે શૈલેષભાઇને શરીરે નાની મોટી ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે શૈલેષભાઇ કનુભાઇ બારૈયાએ  કઠલાલ પોલીસ મથકે મોટર સાયલના ચાલક મહેશભાઇ રયજીભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહુધા તાલુકાના વડથલ નહેર નજીક અકસ્માત સર્જાયો હતો.જેમાં મહુધાના બલાડી સોઢા ફળીયામાં રહેતા અભેસિંહ ચૌહાણના દિકરા રાજેશભાઇ તેમના બહેન જશોદાબહેનના ઘરે ગયા હતા.આ બાદ ભાઇ-બહેન મોટર સાયકલ લઇને બેંકના કામ માટે ગયા હતા.કામ પૂર્ણ કરી બંને પરત આવી રહ્યા હતા તે સમયે ફલોલી નહેર પાસેથી પસાર થઇ રહ્યા હતા.તે સમયે એક ગાડીના ચાલકે તેની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાજેશભાઇના મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી મોટર સાયકલ પર સવાર ભાઇ-બહેનને શરીરે ઇજાઓ પહોચી હતી.જ્યારે ગાડીનો ચાલક બનાવ સ્થળેથી તેનુ વાહન લઇને ફરાર થઇ ગયો હતો.આ બનાવ અંગે અભેસિંહ પૂનમભાઇ ચૌહાણે મહુધા પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કઠલાલ અને મહુધા પોલીસે ફરિયાદો લઇ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:41 pm IST)