ગુજરાત
News of Thursday, 16th December 2021

ઘોઘંબાની GFL કંપનીમાં ભયાનક બ્લાસ્ટ સાથે વિકરાળ આગ:વધુ એકનું મોત મૃત્યુઆંક 4 થયો

આગની ઘટનામાં 15 જેટલા કામદારો ઇજાગ્રસ્ત : રેન્જ આઇજી એમ.એસ. ભરાડા અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઘટના સ્થળે પહોંચ્યા

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 4 કામદારોના મોત થયા છે. આગની ઘટનામાં 15 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને 5 કલાકે આગ કાબૂમાં આવી હતી. પંચમહાલ રેન્જ આઇજી એમ.એસ. ભરાડા અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઘટના સ્થળે પહોંચ્યા છે.

લક્ષ્મણ રમણસિંહ પરમાર (ઉ.45), (રહે, જીતપુરા, ઘોઘંબા) છેલ્લા 15 વર્ષથી કંપનીના એસ.એમ. સ્પલાય વિભાગમાં કામ કરતા હતા. આજે જનરલ શિફ્ટમાં તેઓ આવ્યા હતા અને 10: 13 વાગ્યે તેમનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. 10:05 વાગ્યે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીના ત્રીજા માળેથી તેમનો મૃતદેહ મળ્યો છે.

(7:07 pm IST)