ગુજરાત
News of Monday, 16th December 2019

અડાલજ ત્રિમંદિર પાસે મેગા બ્રાહ્મણ સમિટ થશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત મહાનુભાવો રહેશે

અમદાવાદ, તા.૧૬ : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ(રાજયકક્ષા) દ્વારા આગામી તા.૩,૪ અને ૫મી જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગુજરાતભરના બ્રાહ્મણોની મેગા બ્રાહ્મણ સમીટ -૨ અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ-૨નું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા.૩જી જાન્યુઆરીએ, મેગા બ્રાહ્મણ સમીટના પ્રથમ દિવસે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મંત્રી વિભાવરીબહેન દવે સહિતના મહાનુભાવો, સંતો-મહંતો, પૂજય શ્રી રમેશભાઇ ઓઝા સહિતના સુપ્રસિધ્ધ કથાકારો ખાસ ઉપસ્થિત રહેશે. અડાલજ ત્રિમંદિર પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં આગામી તા.૩થી પ જાન્યુઆરી દરમ્યાન ત્રણ લાખ ૨૫ હજાર ચોરસમીટર જેટલી વિશાળ જગ્યામાં યોજાનારા આ મેગા બ્રાહ્મણ સમીટમાં ત્રણ લાખથી વધુ બ્રહ્મ પરિવાર અને અન્ય સમાજના લોકો-મુલાકાતીઓ મુલાકાત લે તેવી શકયતા છે,

               આ મેગા બ્રાહ્મણ સમીટ થકી દસ હજારથી વધુ યુવક-યુવતીઓને રોજગારી આપવાનો અનોખો પ્રયાસ થશે એમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજયકક્ષા)ના કન્વીનર અને મહામંત્રી ડો.યજ્ઞેશ દવે અને મુખ્ય સંગઠક કમલેશભાઇ વ્યાસે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રિદિવસીય આ મેગા બ્રાહ્મણ સમીટ મારફતે એક રીતે ગુજરાત બ્રહ્મસમાજ અને સમસ્ત બ્રાહ્મણો શકિત પ્રદર્શનનો પરિચય પણ કરાવશે. સમીટમાં બી ટુ બી, બી ટુ સી મીટીંગ તથા રોજગાર મેળો ઉપરાંત ૨૦૦થી વધુ સ્ટોલ્સ ઉભા કરી ઉદ્યોગ સાહસિકો, વ્યાપારીઓ અને બિઝનેસમેનોને ઉમદા તક પૂરી પાડવામાં આવશે. તા.૩જી જાન્યુઆરીએ સમીટમાં બહુ મહત્વની ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે,

              જેમાં વિવિધ સંતો-મહંતો, મહામંડલેશ્વરો, ૧૫૦ જેટલા સુપ્રસિધ્ધ કથાકારો ખાસ હાજર રહેશે. મેગા બ્રાહ્મણ સમીટના બીજા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના કોંગી નેતાઓ હાજરી આપશે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ(રાજયકક્ષા)ના કન્વીનર અને મહામંત્રી ડો.યજ્ઞેશ દવે, મુખ્ય સંગઠક કમલેશભાઇ વ્યાસે ઉમેર્યુ કે, ત્રિદિવસીય સમીટમાં રાજસ્થાનના રાજયપાલ કલરાજ મિશ્રાજી, ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબહેન પટેલ અને ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી પણ હાજરી આપશે, તો ગુજરાત રાજયના મંત્રીમંડળના સભ્યો પણ મેગા બ્રાહ્મણ સમીટની મુલાકાત લેશે. તા.૩ અને ૪ જાન્યુઆરીના રોજ સાંજે ૬-૦૦થી ૯-૦૦ દરમ્યાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો જમાવટ કરશે.

(9:49 pm IST)