ગુજરાત
News of Monday, 16th December 2019

અમદાવાદમાં પારો ગગડી ૧૨.૯ : ઠંડી હજુય વધશે

નલિયા ઠંડુગાર થયું : પારો ૯.૬ ડિગ્રી નીચે : ગાંધીનગર, ડિસા, નલિયા અને વીવીનગર સહિતના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પ્રતિકુળ અસર

અમદાવાદ, તા.૧૬  : ઉત્તર ભારતના રાજ્યોની સાથે સાથે ગુજરાતમાં પણ તીવ્ર ઠંડીનું મોજુ હવે ફરી વળ્યું છે. અનેક જગ્યાએ પારો હવે ૧૨થી પણ નીચે પહોંચી ગયો છે. આજે નલિયા ઠંડુગાર રહ્યું હતું. અહીં લઘુત્તમ તાપમાન ઘટીને ૯.૬ ડિગ્રી થઇ ગયું હતું જ્યારે ડિસામાં પારો ૧૦.૬ રહ્યો હતો. ગાંધીનગરમાં ૧૧.૮ અને વીવીનગરમાં લઘુત્તમ તાપમાન ૧૦.૬ ડિગ્રી રહ્યું હતું. હજુ ઠંડીનો ચમકારો વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાના સંકેત નથી પરંતુ લોકો તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. અમરેલીમાં પારો ૧૨.૪ રહ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ અને ખાસ કરીને કચ્છ, રાજકોટ, ભાવનગરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં પણ અસર જોવા મળી શકે છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે.

                    હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડી પ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.

          અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પારો આવતીકાલે યથાસ્થિતિમાં રહી શકે છે અને તાપમાનમાં નજીવો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૨.૯ ડિગ્રી રહ્યું હતું.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૬ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન લગભગ યથાવત રહ્યું છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ........................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૧૨.૯

ડિસા............................................................ ૧૦.૬

ગાંધીનગર................................................... ૧૧.૮

વીવીનગર.................................................... ૧૦.૬

વડોદરા........................................................ ૧૪.૪

સુરત........................................................... ૧૭.૨

વલસાડ........................................................ ૧૬.૧

અમરેલી....................................................... ૧૨.૪

રાજકોટ........................................................ ૧૧.૮

સુરેન્દ્રનગર................................................... ૧૨.૨

ભુજ............................................................. ૧૨.૪

નલિયા........................................................... ૯.૬

કંડલા એરપોર્ટ   ૧૧.૯

(9:34 pm IST)