ગુજરાત
News of Monday, 16th December 2019

સુરતમાં બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ : પોલીસ તપાસ

બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજાના નિશાન મળ્યા : નરાધમ આરોપીઓ સામે ફિટકાર : સચિન જીઆઇડીસી પોલીસની તપાસ : દુષ્કર્મ બાદ બાળકીને ઘરે મુકીને ફરાર

અમદાવાદ, તા. ૧૬ : સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં ફરી એકવાર માસૂમ બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવાઇ હતી. પિતા સાથે રાત્રિના સમયે ઘર નજીક ચાલતી રામલીલા જોવા ગયેલી બાળકીનું અજાણ્યા નરાધમ આરોપીઓએ અપહરણ કરી બાદમાં તેણીની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહી, વહેલી સવારના સાડા ચાર વાગ્યાની આસપાસ બાળકીને ઘર નજીક મુકીને ફરાર થઈ ગયાં હતાં. બાળકીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતાં પરિવાર બાળકીને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા લઈ ગયું હતું. બાદમાં પોલીસ બાળકીને સારવાર અને તબીબી પરીક્ષણ માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલ લાવી હતી, જયાં તેની સારવાર કરાઇ હતી. સમગ્ર મામલે સચીન જીઆઇડીસી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને સુરતવાસીઓમાં આવા નરાધમ આરોપીઓના અત્યંત ઘૃણાસ્પદ કૃત્યને લઇ ફિટકારની લાગણી વરસી રહી છે. સચીન જીઆઇડીસી પોલીસે હવે સમગ્ર મામલે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.  આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સચીન જીઆઈડીસી નજીક રામલીલા ચાલતી હતી. રામલીલા જોવા માટે ચાર વર્ષની બાળકી તેના પિતા સાથે ગઈ હતી.

              ગઇકાલે રાત્રે લગભગ ૧૧ વાગ્યે બાળકીને અજાણ્યા નરાધમ હવસખોરો ઉઠાવી ગયા હતાં. બાદમાં તેણીની પર દુષ્કર્મ આચરી મળસ્કે સાડા ચાર આસપાસ ઘર નજીક મુકી ગયા હતાં. બાળકી રડતી હતી અને તેના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું. બાળકી સાથે કોઈ જબરદસ્તી કરી હોવાની આશંકા સાથે પરિવાર તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવ્યું હતું. બાળકીની માતાએ મેડિકલ ઓફિસરને તમામ હકીકત જણાવતાં બાળકીને સારવાર માટે ગાયનેક વોર્ડમાં રિફર કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે. નવેમ્બર માસમાં જ પોલીસ ચોપડે નવ ગુના નોંધાયા હતાં. જેમાં બે દુષ્કર્મની ઘટનામાં બાળકીઓને પીંખી નાખવામાં આવી હતી. સલાબતપુરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની ૧૧ વર્ષીય બાળકી સાથે તેના સાવકા પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે લાલગેટના ભરીમાતા વિસ્તારમાં ગુરૂવારે સવારે ૧૮ વર્ષના તરૂણે ૮ વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આસપાસના લોકોએ તેને પકડી લીધો હતો. બાળકી ઘર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તરૂણે બાળકીને ઇંડા લેવા જવાનું કહીને ઘરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

(8:54 pm IST)