ગુજરાત
News of Monday, 16th December 2019

આંદોલન કરનારા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા રદ થતાં ઉજવણી

ચોથી ડિસેમ્બરથી ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા : પાંચમી ડિસેમ્બરથી ગાંધીનગરમાં હજારો વિદ્યાર્થી એકઠા થયા હતા : પરીક્ષા રદ કરવા માંગણીને આખરે સ્વિકારાઈ

અમદાવાદ,તા. ૧૬ : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને રદ કરવામાં આવ્યા બાદ આજે આંદોલન કરનાર વિદ્યાર્થીઓની મોટી જીત થઇ હતી. વિદ્યાર્થીઓએ આને લઇને ગાંધીનગરમાં ત્રણ દિવસ સુધી ધરણા પ્રદર્શન કર્યા હતા. પેપર ફુટ્યાનુું ખુલ્યા બાદ રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ ચોથી ડિસેમ્બરથી ગાંધીનગરમાં એકત્રિત થવા લાગ્યા હતા.

                પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તેમના આગેવાનો યુવરાજસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. જો કે, પરીક્ષામાં ગેરરીતિની વિગત સપાટી ઉપર આવ્યા બાદ પાંચમી ડિસેમ્બરથી રાજ્યભરમાંથી હજારો વિદ્યાર્થીઓ એકત્રિત થવા લાગી ગયા હતા. વિદ્યાર્થીઓએ તીવ્ર ઠંડીમાં પણ સચિવાલય પાસે બેસીને વિરોધ પ્રદર્શન જારી રાખ્યા હતા. તમામ પરીક્ષાર્થીઓએ ઉગ્ર દેખાવો દરમિયાન પરીક્ષા રદ કરવાની એક જ માંગણી સતત દોહરાવી હતી. આના પરિણામ સ્વરુપે રાજ્ય સરકાર ઉપર જોરદાર દબાણ આવી ગયું હતું. આ ગાળા દરમિયાન સરકાર તરફથી સીટની રચના કરવામાં આવી હતી. સીટના અહેવાલ બાદ સરકારે આ મામલામાં ચકાસણી હાથ ધરી હતી.

               હજારો વિદ્યાર્થીઓ તરફથી દેખાવો કરવામાં આવ્યા બાદ આખરે રિપોર્ટના આધારે પરીક્ષા રદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવામાં આવ્યા બાદ આજે મોડી સાંજે ફટાકડા ફોડીને જોરદાર ઉજવણી કરી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા ૧૭મી નવેમ્બરના દિવસે ભરતી પરીક્ષા યોજાઈ હતી. આ ભરતી પરીક્ષામાં ૩૦૦૦થી વધુ કેન્દ્રો હતા અને ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ હતા.

ક્લાર્ક પરીક્ષા............

બિનસચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષા આજે વિવાદો બાદ રદ કરી દેવામાં આવી હતી. પરીક્ષાનું ચિત્ર નીચે મુજબ છે.

પરીક્ષા યોજાઈ............................... ૧૭મી નવેમ્બર

પરીક્ષામાં કેન્દ્રો હતા.................................... ૩૦૦૦

કુલ ઉમેદવાર હતા................................ સાત લાખ

ચોરીની માહિતી ખુલી...................... ત્રીજી ડિસેમ્બર

ગેરરીતિની ફરિયાદ......................................... ૩૯

ગેરરીતિની જિલ્લામાં ફરિયાદ.......................... ૦૫

તપાસ થઇ...................... ૧૦ મોબાઇલ, સીસીટીવી

પરીક્ષા રદ થઇ ૧૬-૧૨-૨૦૧૯

(8:46 pm IST)