ગુજરાત
News of Monday, 16th December 2019

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સીનીયર સિટીઝન્સ માટે વિશેષ સુવિધા ઉભી કરાશે : વિજયભાઇ રૂપાણી

વરિષ્ઠ નાગરિકો માટે ઓપીડીમાં અલગ લાઇન અને કેશબારી : વયોવૃધ્ધ વ્યકિતઓ માટે દરરોજ બપોરના ૧૧ થી ૧ર સુધીનો સમય ફાળવવાનો રહેશે

ગાંધીનગર, તા. ૧૬: ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા સામાન્ય જનતાને આરોગ્ય સહિતની સુવિધાઓ વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય અને પૈસાનાં અભાવે કોઈ જરૂરીયાતમંદ લોકો સારવારથી વંચિત ન રહે તે માટેની અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. મા અમૃતમ કાર્ડ, વાત્સલ્ય યોજના તેમજ ગંભીર રોગચાળાનાં સમયે પણ આર્થિક મદદ મળી રહે તે માટે સહાયરૂપ બનતી રૂપાણી સરકારે હવે વયોવૃદ્ઘો માટે ખાસ સુવિધા-સવલતો આપવાની જાહેરાત કરી છે. રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૬૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝન્સ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે, તમામ સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરની વયોવૃદ્ઘ વ્યકિતઓ માટે ઓપીડી દરમિયાન અલગ લાઈન કરવાની રહેશે એટલું જ નહીં તેમની કેશબારી પણ અલગ કરવાની રહેશે જેના માટે તમામ જગ્યાએ પ્રાદેશિક એટલે કે ગુજરાતી ભાષામાં બોર્ડ લગાવવાના રહેશે.

સિનિયર સીટીઝન્સની કાર્યશકિતમાં દ્યટાડો થતો હોય છે, તેમનામાં નાની-મોટી બિમારી રહેતી હોય છે. જેને પરિણામે સારવાર માટે આવેલા સિનિયર સીટીઝન દર્દીઓની આરોગ્ય સેવાઓ માટે પૂરતું ધ્યાન આપવા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજો તથા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક કેન્દ્રો ઉપરાંત કોર્પોરેશનનાં હેલ્થ સેન્ટર ખાતે ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓ માટે ઓપીડી દરમિયાન અલગ વ્યવસ્થા કરવાની રહેશે તેમનો સમય પણ સવારે ૧૧થી ૧૨ વાગ્યા સુધીનો ખાસ ફાળવવાનો રહેશે. તમામ હોસ્પિટલોમાં આવા સિનિયર સીટીઝન માટે અલગથી લાઈન રાખવાની રહેશે તેમજ તેમના ગુજરાતી ભાષામાં લખેલા બોર્ડ પણ અલગથી કરવાના રહેશે. આ સિવાય અલગથી પાંચ પથારીની પણ વ્યવસ્થા કરવી એવો આદેશ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આરોગ્ય તંત્રને કર્યો છે.

આમ, હવેથી ગુજરાતનાં તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડીકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેન્ટરો ખાતે વયોવૃધ્ધ વ્યકિતઓ માટે ૩ વ્યવસ્થાઓ અલગથી પૂરી પાડવામાં આવશે. જેમાં પ્રથમ તમામ સરકારી હોસ્પિટલો તથા સંલગ્ન કેન્દ્રો ઉપર ઓપીડી સમય દરમિયાન વયોવૃધ્ધ વ્યકિતઓ માટે ૧૧થી ૧ર વાગ્યાનો સમય ફાળવવામાં આવશે. બીજું તમામ સરકારી હોસ્પિટલો તથા સંલગ્ન કેન્દ્રો ઉપર ઓપીડી તેમજ કેશબારીની જગ્યાએ વયોવૃધ્ધ વ્યકિતઓ માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવશે અને ત્રીજું મેડીકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલ તેમજ સંબંધિત હોસ્પિટલો ખાતે પણ વયોવૃધ્ધ વ્યકિતઓ માટે અલગ વોર્ડ નિયત કરવામાં અને જો તેમ શકય ન બને તો તેઓ માટે અલગ પાંચ એકસ્ટ્રા બેડની વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં આ નિર્ણયોનો તાત્કાલિક અમલવારી કરવાની સૂચનાઓ સરકારી આરોગ્ય તંત્રને આપવામાં આવી છે.

(3:24 pm IST)