ગુજરાત
News of Monday, 16th December 2019

સ્કુલની મંજુરીના સર્ટીફીકેટની તપાસ માટે પોલીસ ટીમ રાજસ્થાન પહોંચી

ડીપીએસ સ્કુલ ચાલુ રાખવી કે કેમ? વાલીઓના મતભેદથી ગરમાયેલા મામલા વચ્ચે નવો વણાંકઃ પુરાવાઓ મજબુત કરવા માટે ખાસ ટીમ અજમેર મોકલ્યાની બાબતને ડીવાયએસપી કે.ટી.કામરીયાએ અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું

રાજકોટ, તા., ૧૬: ગુજરાતભરમાં બહુચર્ચીત નિત્યાનંદ આશ્રમના કારણે પ્રકાશમાં આવેલી અમદાવાદની હાથીજણ નજીકની ડીપીએસ સ્કુલ દ્વારા બનાવટી દસ્તાવેજો રજુ કરી આખી સ્કુલ ઉભી કર્યાના  ચકચારી મામલામાં ચાલતી તપાસમાં નવો વણાંક આવ્યો છે. સીબીએસસી દ્વારા ડીપીએસ સ્કુલ રાજસ્થાનના અજમેરથી મંજુરી આપવામાં આવ્યાના દસ્તાવેજી સર્ટીફીકેટ સાચા છે કે ખોટા ? તેની ચકાસણી માટે સમગ્ર મામલાની તપાસ માટે નિમાયેલ ખાસ તપાસ કમીટીના અધ્યક્ષ અને સાણંદના  ડીવાયએસપી કે.ટી.કામરીયાએ એક ચુનંદા પીએસઆઇના માર્ગદર્શનમાં અજમેર મોકલ્યાનું જાણવા મળે છે.

ઉકત બાબતે ડીવાયએસપી કે.ટી.કામરીયાનો સંપર્ક સાધતા અકિલા સાથેની વાતચીતમાં તેઓએ આવી ટીમ અજમેર ગયાની બાબતને સમર્થન આપ્યું છે તેઓએ જણાવેલ કે અજમેરના સતાવાળાઓના લેખીત લખાણ તથા આનુસાંગીક દસ્તાવેજો તપાસના પુરાવાઓમાં સામેલ કરી તપાસ અને કેસ મજબુત બનાવી શકાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

દરમિયાન સ્કુલના વાલીઓમાં પણ વિવાદ જાગ્યાની હકીકતો સામે આવીછે એમ કહેવાય છે કે એક જુથ મેનેજમેન્ટની  વાત માની સ્કુલ ચાલુ રાખવાનો મત ધરાવે છે. જયારે બીજુ જુથ મક્કમપણે આ સ્કુલ વિરૂધ્ધ ગેરરીતી બદલ પગલા લેવાના મતની છે. આમ આ મામલો ગરમાયો છે ત્યારે જ આ નવા વણાંકથી ચકચાર જાગી છે.

(1:02 pm IST)