ગુજરાત
News of Monday, 16th December 2019

ગુજરાતની તમામ કોલેજોમાં ભ્રષ્ટાચાર સામે યુવાનોને જાગૃત કરવા ખાસ અભિયાનઃ કેશવકુમાર

એસીબીમાં ફરીયાદ નોંધવા અલગ પોલીસ સ્ટેશનો છે તેની પણ ઘણા લોકોને જાણ નથીઃ બહુચર્ચીત સુરતના તક્ષશીલા અગ્નિકાંડની ફરીયાદ એસીબીમાં જ નોંધાઇ છેઃ એસીબી નિયામકઃ ફરીયાદીના નામ ગુપ્ત રાખવા સાથે તેઓને રક્ષણ પણ આપવામાં આવે છે

રાજકોટ, તા., ૧૬: તાજેતરમાં ઇન્ટરનેશનલ એન્ટીકરપ્શન  ડે અંતર્ગત  એસીબીના રાજયભરના યુનીટોમાં ભ્રષ્ટાચાર નિવારણ બાબતે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતી લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. રાજયના એસીબી વડા કેશવકુમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે એસીબી ડેની ઉજવણી કરી એસીબી વિભાગ સંતોષ નહિ માને ગુજરાતભરમાંઅને ખાસ કરીને યુવાનોમાં લાંચ, રૂશ્વત સામે જાગૃતી લાવવા  તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં માહીતીપ્રદ અને જાગૃતી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

કેશવકુમારે જણાવેલ કે એસીબીમાં ફરીયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશનો હોય છે એવી પણ ઘણા લોકોને જાણ નહોતી. તેઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે એવું જણાવેલ કે ર૦૧૯માં જ એન્ટીકરપ્શનના વિવિધ પોલીસ મથકોમાં ૨૩૫ કેસો નોંધાયા છે. તેઓએ વિશેષમાં જણાવેલ કે સુરતના ગુજરાતભરમાં ચકચારી તક્ષશીલા અગ્નિકાંડની ફરીયાદ પણ એન્ટીકરપ્શનમાં જ દાખલ થયેલ છે. તેઓએ જણાવેલ કે આ મામલામાં કસુરવાનોને સજા કરાવવા તમામ પ્રયત્નો હાથ ધરાશે.

કેશવકુમારે જણાવ્યું કે એસીબીમાં માહીતી આપનાર વ્યકિતની ઓળખ ગુપ્ત રાખવા સાથે તેને પ્રોટેકશન પણ આપવામાં આવે છે. અત્રે યાદ રહે કે એસીબીની જાગૃતીના કારણે રાજકોટ યુનીટ અને ભુજ યુનીટે યશસ્વી કામગીરી સાથે લોકોમાં જાગૃતી લાવવામાં આપેલ ફાળાની નોંધ ઉચ્ચ કક્ષાએ લેવામાં આવી છે.

(1:02 pm IST)