ગુજરાત
News of Monday, 16th December 2019

અમદાવાદમાં કાર અને બસની વચ્‍ચે અકસ્‍માતમાં વૃદ્ધાનું મોતઃ ઓલા કેબનો કારચાલક નાસી છૂટયો

અમદાવાદ :અમદાવાદના નારણપુરામાં વધુ એક અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે કાર અને બસની વચ્ચે એક વૃદ્ધા આવી ગયા, જ્યાં સ્થળ પર જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ઓલા કેબની હતી, અને ઓલા કેબનો ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઇ ગયો. આમ, સવારે દૂધ લેવા નીકળેલા વૃદ્ઘા આકસ્મિક રીતે અકસ્માતમાં ભોગ બન્યા હતા.

અમદાવાદના નારણપુરા વિસ્તારના જય મંગલ મુખ્ય રોડ પર આ બનાવ બન્યો હતો. અહીં વહેલી સવારે ગણપત યુનિવર્સિટીની બસ રોડ પર ઉભી હતી. ત્યારે અચાનક પૂરઝડપે ઓલા કેબની વેગન આર કાર આવી હતી. કારની સ્પીડ એટલી હતી કે, તે સીધી જ બસમાં ઘૂસી ગઈ હતી. પણ આ બંને વાહનોની વચ્ચે એક મહિલા આવી જતા, તેનું દબાઈ જતા તેનું મોત નિપજ્યું છે. અકસ્માત સ્પોટની સામે આવેલા સમર્પણ ટાવરમાં રહેતા 60 વર્ષીય હર્ષા બહેન સંઘવી સવારે રોડ ક્રોસ કરીને દૂધ લેવા જતા હતા. ત્યારે ઉભેલી બસની પાછળ જઈને પસાર થતા હતા, તેવામાં જ આ કાર આવી અને બસને પાછળના ભાગે ટક્કર મારી. હર્ષાબહેન પણ બંને વાહનો વચ્ચે ચગદાઈ ગયા અને તેમનું મોત નિપજ્યું હતું.

આ ઘટનામાં બસને તો નુકશાન થયું, પણ સાથે સાથે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે, અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ તો ઓલા કેબ ચાલક ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પણ અમદાવાદમાં અનેક રસ્તા વિચિત્ર હોવાથી અકસ્માતના બનાવો રોકાવાનું નામ નથી લેતો.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે, આ પહેલો અકસ્માત નથી. અહીં અવાર-નવાર અકસ્માત થાય છે. બમ્પ નથી અને રોડ વચ્ચે જ ટાવર આવેલા છે. નજીકમાં બ્રિજ હોવાથી લોકો પૂરઝડપે આવે છે અને તેને કારણે અકસ્માત થાય છે. અનેકવાર રજુઆત કરી પણ તંત્ર રોડ ડિઝાઇન સુધારવામાં ઉદાસીનતા રાખે છે.

(5:40 pm IST)