ગુજરાત
News of Monday, 16th December 2019

રાજસ્થાનમાંથી ૧ કી. મી. લાંબુ તીડનું ટોળુ ગુજરાતમાં પહોંચ્યુ!

બાડમેર-ઝાલોરના જીલ્લા તંત્રની નિષ્ફળ કામગીરીના પાપે રાજસ્થાનમાં ઉભા પાકને નષ્ટ કરી તીડનું ટોળુ વાવ તરફ આવ્યું: પાલનપુરની ટીમ પણ તીડ પ્રભાવિત સ્થળે પહોંચી

ઝાલોર તા. ૧૬ :.. પાકિસ્તાનથી રાજસ્થાનના બાડમેર-ઝાલોર વિસ્તારના ઘુસેલા તીડના વિશાળ ટોળાએ બાડમેરના સંખ્યાબંધ ગામડાઓનાં ઉભા પાકને નષ્ટ કર્યા બાદ તીડનું ટોળુ છેક ગુજરાતના વાવ સુધી પહોંચ્યાના વાવડ મળે છે. રાજસ્થાનના સરકારી તંત્રની અર્ધકચરી કામગીરીના પાપે ખેડૂતોએ માથે ઓઢી ને રડવાનો વખત આવ્યો હતો. તીડ નાશ કરતુ યંત્ર ખરા સમયે જ ખોટકાતા તીડે વિનાશ નોતર્યો હતો.

બે દિવસ પહેલા રાજસ્થાનમાં હળવો વરસાદ થતા અને પાકિસ્તાન તરફથી હવા ભારત તરફ થતા તીડનું ટોળુ દુશ્મન દેશની સરહદ પાર કરી ભારતમાં પ્રવેશ્યુ હતુ અને બાડમેરના આરવા, વેડિયા, સુરાચંદ, ભીમગુડા, ઝાણીપુરા સહિતના ગામોમાં વિનાશ નોતર્યો હતો.

ઉપરોકત ગામોમાં તીડના ૧ કિલો મીટરના ટોળાએ હાહાકાર મચાવતા શનિવારે વહેલી સવારે બાડમેરથી બે અને ઝાલોરની એક જીલ્લા તંત્રની ટીમ તીડ આક્રમણ સ્થળે પહોંચી હતી પરંતુ ખરા સમયે જ તીડ નાશક મશીનમાં ટેકનીકલ ફોલ્ટ સર્જાતા તીડના ટોળાએ નિરાંતે ખેડૂતોના પાકને નષ્ટ કર્યો હતો.

દરમ્યાન હવાની દિશાના કારણે આ વિશાળ તીડનું ટોળુ છેક ગુજરાતના વાવ સુધી પહોંચ્યુ હતું.

તીડનું ટોળુ ગુજરાતમાં દાખલ થયાના વાવડ મળતા પાલનપુરથી પણ જીલ્લા પ્રશાસનની એક ટીમ વાવ પહોંચી હતી.

આ વર્ષે એપ્રીલ માસથી લઇને આજ સુધીમાં તીડના ટોળાઓ વાય પાકિસ્તાન ભારતમાં દાખલ થયા છે અને સબંધીત અધિકારીઓએ તીડના ટોળાઓને નાશ કર્યાના સતત દાવાઓ કર્યા છે. પરંતુ તીડના ટોળાઓએ આ સરકારી દાવાઓ વચ્ચે ખેડૂતોના ઉભા તૈયાર પાકને સફાચટ કરી નાખ્યાના પણ અહેવાલો મળતા રહ્યા છે.

રાજસ્થાનના સરકારી તંત્રની નિષ્ફળતાઓ વચ્ચે સારા સમાચાર એ છે કે હવાનો રૂખ ફરી પાકિસ્તાન તરફ થતા તીડના  કહેર મચી ગયો હોત.

બાડમેર અને ઝાલોર વિસ્તારમાં જીલ્લા તંત્રની નિષ્ફળતાઓ વચ્ચે ખેડૂતોએ થાળીઓ વગાડીને તીડના ટોળા ભગાવવા પડયા હતાં.

આ વર્ષે એક તરફ સતત વરસાદ તો બીજી તરફ તીડના ટોળાના આક્રમણના કારણે જગતાત ત્રાહીમામ પોકારી ગયો છે.

(11:47 am IST)