ગુજરાત
News of Monday, 16th December 2019

ડીપીએસ સ્કૂલ ચાલુ રખાવવા મુદ્દે વાલીઓમાં બે ફાંટા પડયા

નિત્યાનંદ આશ્રમ સાથે ઘરોબા બાદ વિવાદ વકર્યો : વાલીઓનું એક જૂથ સ્કૂલ ચાલુ રખાવવાના મતમાં, તો, બીજુ જૂથ મેનેજમેન્ટને બચાવવાના વલણના વિરોધમાં

અમદાવાદ, તા. ૧૫  : હાથીજણ પાસેની ડીપીએસ સ્કૂલ વિવાદ હજુ વકરી રહ્યો છે. રાજય સરકારે ચાલુ સત્ર સુધી પોતાના હસ્તક સ્કૂલ લીધી હોવા છતાં હવે વાલીઓ દ્વારા કાયમી ધોરણે સ્કૂલ ચાલુ રહે તેવા પ્રયાસ આદરાયા છે. જે અંતર્ગત હાથીજણ હીરાપુરમાં વાલીઓના એક જૂથની બેઠક મળી હતી. ત્યારે બીજા જૂથે આ બેઠકનો વિરોધ કર્યો હતો. આમ, સ્કૂલના વાલીઓમાં રીતસરના બે ફાંટા પડી ગયા હોવાની વાત સામે આવતાં હવે એક નવો વિવાદ સર્જાયો છે. સ્કુલે ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી વાલીઓ સાથે છેતરપીંડી આચરી હોવા છતાં વાલીઓનું એક જૂથ સ્કૂલ સંચાલકોનો હાથો બનાવી સરકાર સામે પડ્યા હોવાનો આક્ષેપ વાલીઓના બીજા જૂથે કર્યો છે. તો, એક જૂથ સ્કૂલ ચાલુ રખાવવા પર જાણે મક્કમ છે. જે ખોટા દસ્તાવેજ પર આખે આખી સ્કૂલ ઉભી કરી દેવાઈ અને સરકાર સાથે અને સ્કૂલના ૮૦૦થી વધુ વાલીઓ સાથે છેતરપીંડી આચરીને દસ વર્ષથી સ્કૂલ ચલાવવામાં આવી તે હાથીજણ ડીપીએસ સ્કૂલ મેનેજમેન્ટના મંજૂલા પુજા શ્રોફ હવે સ્કૂલ ફરીથી શરુ કરવા હવાતીયા મારી રહ્યા છે. જે માટે ડીપીએસના કેટલાક વાલીઓને હાથો બનાવીને સરકાર સામે રજુઆત કરવા માટે આગળ કરવામાં આવી રહ્યાં છે.

                   ડીપીએસના વાલીઓના એક જૂથની હાથીજણ હીરાપુરમાં બેઠક મળી હતી. જેમાં સ્કૂલના બાળકોનું હિત જોઈને સરકારે ત્રણ મહિના માટે જે સ્કૂલ પોતાના હસ્તક લઈ ચાલુ રાખી છે, તે સ્કૂલને વાલીઓએ હવે કાયમી ધોરણે ચાલુ રાખવા માટે બેઠક કરી હતી. જેમાં વાલીઓ આ વાત સાફ કરી કે મેનેજમેન્ટ સ્કૂલ ચાલુ રાખવામાં સપોર્ટ કરી રહ્યું છે. ડીપીએસ સ્કૂલના વાલીઓના અગ્રણી શોએબ શેખે જણાવ્યું હતું કે સ્કૂલના ડીરેક્ટર અને મંજુલા શ્રોફના પતિ સાથે બેઠક થઈ હતી. તેમણે કહ્યું છે કે ૨૦૦ બાળકો હશે તો પણ હું સ્કૂલ ચાલુ રાખવાના પ્રયાસ કરીશ. તો બીજીતરફ ડીપીએસના વાલીઓમાં જ બે ફાંટા ત્યારે જોવા મળ્યા જ્યારે મીટીંગ સમયે બીજા જૂથના વાલીએ મીટીંગનો વિરોધ નોંધાવ્યો હતો.

            વાલી નયન રબારીએ જણાવ્યું કે, સરકાર પોતાનું કામ કરવાની છે. આ સમગ્ર પ્રકરણમાં ભૂલ મેનેજમેન્ટની છે. વાલીઓને સરકારે ત્રણ મહિનાની મુદ્દત આપી છે તો પણ તેમની સામે ૮૦૦ બાળકોને આગળ કરી મેનેજમેન્ટને બચાવવાનું કામ મુર્ખામી છે. કેટલાક વાલીઓ મેનેજમેન્ટનો હાથો બની રહ્યાં છે. તો અન્ય કેટલાક વાલીઓએ તેમનો ડેટા સ્કૂલે લીક કર્યાનો આક્ષેપ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. વાલીઓના સરનામા, પર્સનલ નંબર સહિતનો ડેટા જે સ્કૂલ પાસે હોય તે લીક કરાયો હોવાના આક્ષેપો થતાં હવે મામલો ગરમાયો છે. ત્યારે હવે સ્કૂલ ચાલુ રાખવામામલે આવનારા દિવસોમાં નવા ખુલાસા અને કાર્યક્રમો સામે આવે તેવી પણ શકયતા પ્રવર્તી રહી છે.

(9:43 pm IST)