ગુજરાત
News of Tuesday, 16th November 2021

ભુજમાં સસ્‍તા સોનાની લાલચ આપીને છેતરપીંડી કરનાર અબ્‍દુલ બજાણીયા પોલીસ સકંજામાં આવી ગયોઃ તેની ગેંગે રાજસ્‍થાનના ટુર ઓપરેટરને છરી બતાવી 20 લાખ લૂંટી લીધા હતા

2 દિવસના રિમાન્‍ડ ઉપરઃ વિવિધ ગુન્‍હામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે

અમદાવાદ: ગુજરાતીમાં કહેવત છે કે 'લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે' તેમ છતાં અનેક લોકો લાલચમાં આવી જઈને લોભિયા ધુતારા માણસો આગળ પોતાની આખી જિંદગી કમાવેલી મૂડી ધરી દેતા હોય છે, જ્યાર પછી છેતરાય ત્યારે તેમની પાસે અફસોસ કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. ત્યારે સસ્તાં સોનાના નામે કચ્છ બહારના લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ભુજનો કરોડપતિ મહાઠગ અબ્દુલ બજાણિયાને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાાર મળી રહ્યા છે.

20 લાખની ઠગાઈ- લૂંટના ગુનામાં ભુજનો કરોડપતિ મહાઠગ અબ્દુલ બજાણિયા આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે. અબ્દુલ અને તેની ગેંગે રાજસ્થાનના ટૂર ઓપરેટરને સસ્તા સોનાની જાળમાં ફસાવી છરીની અણીએ 20 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. ત્રણ દિવસ અગાઉ તેની સામે ગુનો દાખલ કરાયા બાદ પોલીસે તેને ઉપાડી બે દિવસના રીમાન્ડ પર લીધો છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ભુજનો કરોડપતિ મહાઠગ અબ્દુલે હાજી અનીસ નામ ધારણ કરીને લૂંટ ચીટિંગ કરી હતી. આદિલ નામનો બીજો આરોપી હકીકતમાં ફિરોજ હોવાનું બહાર આવ્યું છે. આ ગુનામાં ફિરોજ અને સુલતાન હજુ નાસતો ફરે છે. ફરિયાદીએ ગુમાવેલાં વીસ લાખ રૂપિયા પરત મળશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

અત્રે નોંધનીય છે કે, અબ્દુલ બજાણિયા અગાઉ ઠગાઈના વિવિધ ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે. વર્તમાન વર્ષના પ્રારંભે જાન્યુઆરી માસની 17 તારીખે બજાણિયા સામે રાજકોટના યુવા ઉદ્યોગકારે સસ્તા સોનાના નામે 90 લાખના ચીટીંગની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ભુજ પોલીસે સાત સાત માસ સુધી તેની ધરપકડ કરી નહોતી. 2019માં બજાણિયા અને તેના સાગરિત સુલતાન સહિત પાંચ લોકો સામે સસ્તા સોનાના નામે 10 લાખના ચીટીંગની ગાંધીધામના ટીમ્બરના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. 2015માં બજાણિયા એક લગ્ન સમારોહમાં એલસીબીના કર્મચારીઓ જોડે તાનમાં આવીને હવામાં ફાયરીંગ કરવાના બનાવમાં પણ પોલીસ ચોપડે ચઢ્યો હતો.

(4:55 pm IST)