ગુજરાત
News of Saturday, 16th November 2019

વડોદરામાં આપઘાતની ઘટનામાં ભરખમ વધારો: સરેરાશ બે લોકો દિવસમાં આપઘાત કરતા હોવાનો રિપોર્ટ

વડોદરા:શહેરમાં આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આર્થિક તંગી, બેકારી, લગ્ન બાહ્ય સંબંધ, પારિવારિક ઝઘડો જેવા કારણોથી વડોદરામાં રોજ સરેરાશ બે લોકો આપઘાત કરી રહ્યા છે. વડોદરામાં વિતેલા ૪૮ કલાક દરમિયાન આપઘાતના ૪ બનાવો નોંધાયા છે જેમાં છાણીના ૧૯ વર્ષના વિદ્યાર્થીએ અગમ્યા કારણથી ફાંસો ખાઇ લીધો હતો તો આર્થિક તંગીથી કંટાળીને ગોત્રીના ટયુશન ક્લાસ સંચાલકે અને વાઘોડિયા રોડના યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તો મકરપુરામાં રહેતા સરકારી શાળાના શિક્ષકની પત્નીએ અગમ્ય કારણથી ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

છાણીમાં સપ્તપદી પાર્ટી પ્લોટ પાસે આવેલ સોહમ બંગ્લોઝમાં રહેતા મુકેશભાઇ ગોસ્વામી રણોલી જીઆઇડીસીમાં સ્ક્રેપનો બિઝનેસ કરે છે. તેના ૧૯ વર્ષના પુત્ર અર્પિતે ગત વર્ષે જ ધો.૧૨ સાયન્સની પરીક્ષા પાસ કરી હતી અને હાલમાં તે નીટની તૈયારી કરી રહ્યો હતો. ગુરૃવારે રાત્રે ૧૧ વાગ્યે તે પોતાના રૃમમાં સુવા ગયો હતો જે બાદ આજે સવારે ૧૦ વાગ્યાના અરસામાં મુકેશભાઇ પુત્રને ઉઠાડવા માટે ગયા હતા અને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઇ જવાબ નહી મળતા અર્પિત ઉંઘતો હશે તેમ માનીને મુકેશભાઇ કામ માટે નંદેસરી જતા રહ્યા હતા. બીજી તરફ ૧૨ વાગ્યા છતા અર્પિત રૃમની બહાર નહી આવતા તેની માતાએ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઇ જવાબ નહી મળતા તેની માતા ગભરાઇ ગઇ હતી અને બીજી ચાવીથી દરવાજો ખોલીને જોતા અર્પિતે  ફાંસો ખાઇ લીધો હતો.

(5:39 pm IST)