ગુજરાત
News of Friday, 16th November 2018

નોટબંધી અને જીએસટીથી ગુજરાતના ઉદ્યોગોને મરણતોલ ફટકોઃ ૮૦ ટકા ઉદ્યોગો મંદીની વ્યાપક અસર : જીસીસીઆઈ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જૈમીન વાસાએ કહ્યું છેલ્લા ૪ વર્ષની તુલનાએ 2018નું વર્ષ સૌથી ગંભીર

 

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા જે નોટબંધી અને જીએસટીના નિર્ણય લેવાયા હતા તેનાથી ગુજરાતના ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જૈમીન વાસાએ જણાવ્યું કે, છેલ્લા વર્ષની સરખામણીએ ૨૦૧૮નું વર્ષ રાજ્યના ઉદ્યોગો માટે સૌથી ગંભીર રહ્યું છે. આજે ગુજરાતના ૮૦ ટકા ઉદ્યોગો મંદીની વ્યાપક અસર હેઠળ જીવી રહ્યા છે

   તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતને ટેક્સટાઇલ્સ ઉદ્યોગનું હબ કહેવાય છે આજે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઉત્પાદન ૨૫ ટકા ઘટ્યું છે.જેમ્સ જવેલરી સેક્ટરમાં સુરત અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે અને વર્ષ 2017-18માં નિકાસમાં જેમ્સ-જ્વેલરીની નિકાસમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે. જેની સીધી અસરથી નાણાકીય અછતને કારણે સુરત અને સૌરાષ્ટ્રના યુનિટો થશે બંધ થવાની દહેશત સર્જાઇ છે.

  ગુજરાત સરકારે જે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદ્યો છે તેના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અસર થઇ છે.વડોદરા,અમદાવાદ અને રાજકોટની ૨૦૦૦ જેટલી પ્લાસ્ટિકની નાની ફેકટરીઓ બંધ થવાની પરિસ્થિતિમાં છે, જેને લઇને 50 હજાર લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે વર્ષ 2017માં રાજ્યમાં 5.38 લાખ યુવાનો બેરોજગાર હતા. જેમાંથી બે વર્ષમાં માત્ર 12,869ને સરકારી નોકરી મળી છે

(12:48 am IST)