ગુજરાત
News of Friday, 16th November 2018

ગાંધીજીની ૧૫૦મી વર્ષગાંઠ અવસર ઉપર સાયકલ યાત્રા

૧૮મી ડિસેમ્બર ગુજરાતમાં સાયકલ યાત્રા રહેશેઃ ઇટ રાઇટ ઇન્ડિયા મામલે જાગૃતિ સંદેશ ફેલાવાશે: ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન

અમદાવાદ, તા.૧૬: મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશમાં યોજાનાર સ્વસ્થ ભારત સાયકલ યાત્રા આગામી તા.૧૮મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના દાંડી ખાતે પ્રવેશશે અને રાજયના ૧૨ જિલ્લાઓમાંથી પસાર થઇ તા.૧૨મી ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખાતેથી પ્રસ્થાન કરી રાજસ્થાન રવાના થશે. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં આયોજિત આ યાત્રા દરમ્યાન સમગ્ર રાજયમાં ઇટ રાઇટ ઇન્ડિયા અંગે જનજાગૃતિ સંદેશ ફેલાવાશે એમ અત્રે રાજયના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર અને રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.હેમંત જી.કોશીયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના જીવન સંદેશમાંથી સ્વસ્થ જીવનની પ્રેરણા લઇ ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત સ્વસ્થ ભારત સાયકલ યાત્રા ગુજરાતમાં ૨૪ દિવસ દરમ્યાન આ સામાજિક સંદેશો ફેલાવવાનું કામ કરશે. આ સાયકલ યાત્રા દાંડી, ભરૂચ, વડોદરા, ગોધરા, સંતરામપુર, બાલાસિનોર, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા પાલનપુર સહિતના ૧૨ જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોને આવરી લેશે. દેશના વિવિધ રાજયોમાં પરિભ્રમણ કરતી આ સ્વસ્થ ભારત યાત્રા તા.૨૭મી જાન્યુઆરી દેશનું પરિભ્રમણ કરી દિલ્હી પરત ફરશે. રાજયના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર અને રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.હેમંત જી.કોશીયાએ વધુમાં ઉમેર્યું કે, રાજયના બાર જિલ્લાઓમાં પરિભ્રમણ કરનાર આ યાત્રાના કાર્યક્રમોને લઇ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને રાજયના મુખ્ય સચિવ સહિતના મહાનુભાવો ખાસ હાજરી આપશે. આ સમગ્ર સાયકલ યાત્રા દરમ્યાન દરેક જિલ્લામાં એનસીસી કેડેટ્સ તથા સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો એક સ્થળેથી બીજા સ્થળે સાયકલ પ્રવાસ કરીને ઇટ રાઇટ ઇન્ડિયા અંગેની જનજાગૃતિ ફેલાવતો સંદેશો વહેતો કરશે. રાજયના બાર જિલ્લાઓમાં સાયકલવીરો પહોંચ્યા બાદ એક આખો દિવસ જનજાગૃત માટે પ્રભાત ફેરી, જાહેર સમારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વીડિયો-ઓડિયો પ્રસારણ, શાકમાર્કેટ, ફુડ સ્ટ્રીટ સહિતના સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ સમગ્ર કાર્યક્રમો બારેય જિલ્લાઓમાં એકસમાન ધોરણે યોજાય તેની પણ કાળજી લેવાશે. સ્વસ્થ ભારત સાયકલ યાત્રા અમદાવાદ શહેરમાં પ્રવેશશે ત્યારે તા.૫મી ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે કાંકરિયા ખાતે આશરે પાંચ હજાર જેટલી વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં સ્વસ્થ ભારત મેળાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રજાજનોને બિનઆરોગ્યપ્રદ ખોરાક નહી ખાવા અને સ્વસ્થ ખોરાક ખાવાનો જ આગ્રહ રાખવાનો સંદેશો આપતા ઓડિયો-વીડિયો ઉપરાંત જાણીતા ન્યુટ્રીશનીસ્ટ ઉપરાંત નિષ્ણાત તજજ્ઞો મારફતે સાચી માહિતી અને સમજ પૂરી પડાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ નાગરિકોને ફોર્ટીફાઇડ ફુડ મળી રહે તથા માઇક્રોન્યુટ્રીશનની ઉણપને નાથવા તેમ જ કુપોષણને નાથવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન તરફથી યોગ્ય માર્ગદર્શન અપાશે. આ સિવાય લગ્ન સમારંભ, હોટેલ્સ-રેસ્ટોરન્ટ્સ, જાહેર મેળાવડા વગેરેમાં બનતા ભોજનનો  બગાડ ના થાય તેમ જ સમાજના ગરીબ વર્ગને આ ખોરાક યોગ્ય ચેનલથી પહોંચે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ સમજ પૂરી પડાશે એમ રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.એચ.જી.કોશીયાએ ઉમેર્યું હતું.

(9:54 pm IST)