સોજીત્રા તાલુકામાં મિલકતના ભાગ બાબતે ઉશ્કેરાયેલ જેઠે ભાભીને માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
સોજીત્રા: તાલુકાના ગાડા ગામે વડીલોપાર્જીત મિલકતમાં ભાગ માંગતા ઉશ્કેરાયેલા જેઠે આપવાની ના પાડીને ભાભીને માર મારી જીવતી સળગાવી દેવાની ધમકી આપતાં આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર મુળ ગાડાના પરંતુ હાલમાં સુરત ખાતે રહેતા ફરિયાદી ધર્મિષ્ઠાબેન ઘનશ્યામભાઈ પટેલ દિવાળીના તહેવાર નિમિત્તે પરિવાર સાથે ગાડા ગામે રહેતા જેઠ મહેન્દ્રભાઈ ઉર્ફે ભોલાભાઈ રમણભાઈ પટેલના ઘરે આવ્યા હતા. ગઈકાલે સવારના સુમારે ઘનશ્યામભાઈએ મોટાભાઈ મહેન્દ્રભાઈ પાસે વડિલોપાર્જીત મકાનો તેમજ જમીનમાં ભાગ પાડી લેવાની વાત કરતાં જ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને ધર્મિષ્ઠાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુકી મેં જમીન સાચવી છે જેથી તમોને ભાગ નહીં મળે તેમ જણાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.