ગુજરાત
News of Friday, 16th November 2018

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જેસરવાની સીમમાંથી મકાનમાં છાપો મારી 1 લાખની કિંમતનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે જેસરવા ગામની સીમમાં આવેલા દેસાઈપુરા વિસ્તારના એક મકાનમાં છાપો મારીને ખાડો ખોદી દાટી રાખેલો ૧ લાખની કિંમતનો વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી હતી જ્યારે બે ફરાર થઈ જવા પામ્યા હતા. આ અંગે પેટલાદ શહેર પોલીસ મથકે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર પેટલાદ પંથકમાં પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીની ટીમને હકિકત મળી હતી કે, જેસરવા ગામની દેસાઈપુરા સીમમાં રહેતો શનાભાઈ પ્રભાતભાઈ ઠાકોર મોટાપાયે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેથી પોલીસે છાપો મારતાં ઘરમાંથી તેની પત્ની ઢબીબેન મળી આવી હતી. પોલીસે ઘરની તલાશી લેતાં તાજુ લીંપણ મળી આવ્યું હતુ જેથી તે જગ્યાએ ખોદકામ કરતાં ત્રણેક ફુટ બાદ એક મોટો ખાડો મળી આવ્યો હતો જેમાં બીયર તેમજ વીસ્કીની પેટીઓ ગાઠવી હતી. જેથી પોલીસે તમામ મુદ્દામાલ બહાર કાઢીને ગણતરી કરતાં ૩૮ પેટી થવા પામી હતી. જેની કિંમત ૯૮,૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. 

પોલીસે ઢબીબેનની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો તેના પતિ શનાભાઈએ રાજુભાઈ ઠાકોર મારફતે મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે ત્રણેય વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

 

(6:21 pm IST)