ગુજરાત
News of Friday, 16th November 2018

ગાંધીનગરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી: 36 કિલોનો જથ્થો જપ્ત કરાયો

ગાંધીનગર: શહેરને પ્લાસ્ટિક ફ્રી સીટી બનાવવા માટે કોર્પોરેશન દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત કોર્પોરેશનની વિવિધ ટીમો કામ કરી રહી છે ત્યારે આજે શહેરના સે-ર૪માં કોર્પોરેશનની ટીમોએ દુકાનોમાં તપાસ કરી હતી અને કુલ ૩૬ કિલોજેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી લીધો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પ૦ માઈક્રોનથી નાની પ્લાસ્ટિકની બેગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આવી બેગ રાખનાર વેપારીઓ સામે કડક હાથે કામ લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

 જે અંતર્ગત કોર્પોરેશન દ્વારા વિધિવત રીતે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને કોર્પોરેશનની ટીમો દ્વારા અવારનવાર વિવિધ શોપીંગ સેન્ટરોમાં તપાસ કરવામાં આવતી હોય છે અને જે વેપારીઓ આવા પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આજે પ્લાસ્ટિક વિરોધી દળના અધિકારી મહેશ મોડ અને તેમની ટીમે સે-ર૪માં  અલગ અલગ દુકાનોમાં તપાસ કરીને ૩૬ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી લીધા હતો.

(6:12 pm IST)