ગાંધીનગરમાં આઇજીની ઓફિસની નજીકમાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો
ગાંધીનગર;શહેરમાં છેલ્લા ઘણાં સમયથી તસ્કર ટોળકી સક્રિય બની છે ત્યારે હવે જાણે કે તસ્કરોને પોલીસનો કોઈ ડર જ ના રહયો હોય તેમ શહેરના સે-ર૭માં આઈજીપીની ઓફીસ પાસે જ બે બંધ મકાનના તાળાં તોડીને ગાંધીનગર પોલીસને તસ્કરોએ લપડાક મારી છે. આ બન્ને મકાનના માલિકો રાજ્ય બહાર હોવાથી કેટલી મત્તા ચોરાઈ છે તે જાણી શકાયું નથી પરંતુ સ્થળ ઉપર પહોંચેલી પોલીસે તેમના આવ્યા બાદ ગુનો નોંધવાની તૈયારી બતાવી હતી.
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાંએક પછી એક સેકટરોમાં તસ્કરો હાથ ફેરો કરી રહયા છે અને શહેર બહાર ન્યુ ગાંધીનગરમાં પણ તસ્કરોએ હાહાકાર મચાવી દીધો છે. ગાંધીનગરમાં જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ એક પછી એક વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરી રહેલા તસ્કરો હવે વધુ હિંમતવાન થતાં સે-ર૭માં આઈજી કચેરીની પાસે જ આવેલા બે બંધ મકાનમાં ત્રાટકયા હતા.