ગુજરાત
News of Friday, 16th November 2018

કારના સ્પેર પાર્ટસ બનાવતી કંપનીઓ પણ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા તલપાપડઃ અમદાવાદ નજીક જમીન ખરીદી રહી છે જાપાની કંપનીઓ

અમદાવાદઃ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં તેમના ઉત્પાદન યુનિટ્સ શરૂ કરી રહી છે. હવે કારના સ્પેર પાર્ટ્સમાં બનાવતી કંપનીઓ પણ ગુજરાત પર ઈન્વેસ્ટ કરવા તલપાપડ છે. ઓટોમોબાઈલના પાર્ટ્સ બનાવતી જાપાનીઝ કંપનીઓ અસ્તિ કોર્પોરેશન, કોઈટો મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડ અને મુરાકામી કોર્પોરેશને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (2019) પહેલા સાણંદ અને માંડલ ઈન્ડસ્ટ્રિયલ ક્લસ્ટરમાં જમીન ખરીદી છે.

એક અંદાજ પ્રમાણે આ ત્રણ કંપનીઓ ગુજરાતમાં 800 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. આ સમગ્ર મામલાથી વાકેફ સૂત્રોએ જણાવ્યા મુજબ “કોઈટો મેનુફેક્ચરિંગ કંપની ભારતીય માર્કેટમાં પોતાનું કદ વિસ્તારવા માંગે છે અને તે ઈન્ડિયા જાપાન લાઈટિંગ પ્રાઈવેટ લિમિટેડ તરીકે સ્થાપવામાં આવશે. કંપની ઓટોમોટિવ લાઈટિંગ અને એક્સેસરિઝનો મેનુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરશે. તે અમદાવાદથી 38 કિ.મી દૂર આવેલા સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં 70,000 સ્ક્વેર મીટરની જમીનનો ટુકડો ખરીદી રહ્યા છે.” સૂત્રોએ વધુમાં જણાવ્યું કે કંપની આ પ્લાન્ટ માટે 600 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને તે ઓગસ્ટ 2020થી શરૂ થાય તેવી શક્યતા છે.

ઓટો કંપોનન્ટ બનાવતી બીજી બે જાપાની કંપની અસ્તિ કોર્પોરેશન અને મુરાકામી કોર્પોરેશનને પણ અહીં જમીન ફાળવવામાં આવી છે. બંને કંપનીએ 100-100 કરોડનું રોકાણ કરવાની બાંહેધરી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે આ બંને કંપનીઓને માંડલના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જમીન ફાળવવામાં આવી છે. આ જગ્યા અમદાવાદથી 86 કિ.મી દૂર છે.

માંડલ જાપાનીઝ ઓટોમોબાઈલ જાયન્ટ સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) અને હોન્ડા મોટરસાઈકલ્સ એન્ડ સ્કૂટર્સ ઈન્ડિયાના વિઠ્ઠલાપુર અને બેચરાજીમાં જે પ્લાન્ટ આવ્યા છે તેનાથી ઘણું નજીક છે. અસ્તિ કોર્પોરેશનને 30,000 ચોરસ મીટર જમીનનો ટુકડો ફળવાયો છે અને તે ઓટોમોબાઈલ માટે ઈલેક્ટ્રિકલ સિસ્ટમનું ઉત્પાદન કરશે. કંપનીનો પ્લાન્ટ આગામી ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે મુરાકામી કોર્પોરેશને બાંધકામ શરુ પણ કરી દીધું છે અને તે નાણાંકીય વર્ષ 2019-20ના ત્રીજા ક્વાર્ટરથી પ્લાન્ટ શરૂ કરી દેવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતમાં ચાર ઓટોમોબાઈલ ઉત્પાદકોએ 15,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ગુજરાત હવે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનું ધીરે ધીરે બહહ બની રહ્યું છે. ઓટો કોમ્પોનન્ટ્સ મેનુફેક્ચરર્સ એસોસિયેશન ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ વિન્ની મહેતાએ જણાવ્યું, “વાહન બનાવનારી કંપનીઓનું શું આયોજન છે તેના આધારે જાપાનીઝ ઓટો કંપોનન્ટ મેકર્સ ઈન્વેસ્ટમેન્ટ કરશે. ભારતમાં વાહનોની ખરીદી વધતા ગુજરાત ઝડપથી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપનીઓને આકર્ષી રહ્યું છે.”

(4:35 pm IST)