ગુજરાત
News of Friday, 16th November 2018

અડાલજના આંગણે 'જોયા જેવી દુનિયા' ખુલ્લી મુકાઇ

દાદા ભગવાનની ૧૧૧ મી જન્મ જયંતિની ઉજવણી શરૂ પૂ. દિપકભાઇ દેસાઇના હસ્તે દિપ પ્રાગટય ત્રિ મંદિરના પ્રાંગણમાં ૧૧ દિવસીય ઉત્સવ દુરદર્શન પર રાત્રે હાઇલાઇટ માણી શકાશે થીમ પાર્ક ચિલ્ડ્રન પાર્કનું બાળકોમાં ભારે આકર્ષણ વિનામુલ્યે પ્રવેશ

રાજકોટ તા. ૧૬ : દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતેના અડાલજના આંગણે ત્રિમંદિરના પ્રાંગણમાં ગઇ કાલથી ૧૧ દિવસીય પ્રદર્શનીય મહોત્સવનો પ્રારંભ કરાયો છે.

દાદા ભગવાનની ૧૧૧ મી જન્મ જયંતિ નિમિતે આયોજીત આ મહોત્સવને પૂ. દીપકભાઇ દેસાઇની ઉપસ્થિતીમાં દેશ વિદેશના ૧૧૧ બાળકોના હસ્તે 'મુળ દીવાથી પ્રગટો દીપક માળ'  રૂપક આપતુ દીપ પ્રાગટય કરાયુ હતુ. આ તકે ૩૦ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

૨૫૦૦૦ દર્શકોની બેઠક વ્યવસ્થા ધરાવતા આ મેદાનમાં ૧૨૦ જેટલા મોટા સ્ટેજ અને ૩ મોટા એલઇડી સ્ક્રીન તેમજ કોલ્ડ પાયરો, હાઇડ્રોલિક ક્રેન, ડ્રાય આઇસ જેવી સ્પેશ્યલ ઇફેકટસના ઉપયોગથી દાદા ભગવાનના જીવન ચરિત્રનું હ્ય્દયસ્પર્શી નાટયપ્રદર્શન થયુ હતુ.

નાના મોટા ૨૫૦ થી વધુ કલાકારો દ્વારા ભજવાતા મિહિર ભુતા લેખિત, અદિતિ દેસાઇ દિગ્દર્શીત 'અદ્દભુત ઓળખ જ્ઞાનીની' નાટકમાં દાદાના નાનપણથી લઇને જ્ઞાન પ્રાગટય સુધીના રસપ્રદ જીવન પ્રસંગોને આવરી લેવાયા હતા.

આ અવસરને પૂ. દિપકભાઇ દેસાઇના હસ્તે પુસ્તક 'જ્ઞાનિ પુરૂષ ભાગ-ર'નું વિમોચન કરાયુ હતુ. જેમાં દાદાના પત્ની હીરાબા સાથેના આદર્શ દામ્પત્યજીવનની વાતો સરસ રીતે આલેખવામાં આવી છે.

સમગ્ર મહોત્સવની ઉજવણીની હાઇલાઇટ આજે તા. ૧૬ ના રાત્રે ૧૦ થી ૧૧ દુરદર્શન ગુજરાત (ગિરનાર) ઉપર અને કાલે તા. ૧૭ ના રાત્રે ૭.૩૦ થી ૧૦ સુધી અરીહંત ચેનલ ઉપર નિહાળી શકાશે. તા. ૧૬ થી ૨૩ સુધી ટેલીવઝનમાં અરીહંત, દુરદર્શન ગુજરાતી અને આસ્થા તેમજ યુ-ટયુબ ઉપર 'દાદા ભગવાન ફાઉન્ડેશન' ચેનલ ઉપર મહોત્સવના સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના રોજે રોજ સવાર સાંજ જીવંત પ્રસારણ નિહાળી શકશે.

'જોયા જેવી દુનિયા'માં દરેક ઉંમરના મુલાકાતીઓને વ્યવહારીક ગુંચના ઉકેલથી લઇને તત્વજ્ઞાનના ગુણ રહસ્યોની આધ્યાત્મિક, મનોરંજક, તાર્કીક, વાસ્તિવીક, વૈજ્ઞાનીક સમજણ આપવા પ્રયાસ કરાયો છે.

અહીં સવાર સાંજ પૂ. દીપકભાઇ દેસાઇ સાથે પ્રશ્નોતરી, સત્સંગ થશે. થીમ પાર્કમાં ટેકનોલોજીના ઉપયોગથી ૧૧ મલ્ટી મીડીયા થીએટર શો અને ચિલ્ડ્રન પાર્કે બાળકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યુ છે. બાળકોના ખાસ જીએનસી ડે અને પેરેન્ટ ડે નિમિતે વ્યવહારની પ્રેકટીકલ ચાવીઓ બતાવવામાં આવશે. ઇન્ટરનેશનલ પરેડમાં વિશ્વભરના દેશોની સંસ્કૃતિનો સમન્વય જોવા મળશે. ઉપરાંત જન્માષ્ટમી, સીમંધર સ્વામીની પ્રાણ પ્રતિષ્ઠા, લાઇવ ગરબાનું પણ આયોજન છે.

દાદા ભગવાનના જન્મોત્સવના આ 'જોયા જેવી દુનિયા' નિહાળવા વિનામુલ્યે પ્રવેશ હોય વધુને વધુ લોકોએ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. વધુ માહીતી માટે અંકુરભાઇ મો.૯૯૨૪૩ ૪૩૪૩૫ અથવા અમિતભાઇ મો.૭૯૭૭૫ ૧૪૪૪૯ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:21 pm IST)