ગુજરાત
News of Friday, 16th November 2018

પુર્વ એમડી કે.એસ.દેત્રોજાના ૧૭ બેંક એકાઉન્ટ-અ-ધ-ધ બેનામી મિલ્કતો અંગે એસીબી ટીમો દ્વારા તુર્તમાં ધડાકો

જમીન વિકાસ નિગમ લી.ના પુર્વ કલાસ-વન અધિકારીની જુનાગઢથી મેળવેલ પીએચડી ડીગ્રી પણ બનાવટી?તપાસ શરૂ : કેશવકુમારના માર્ગદર્શનમાં એસીબીએ ર વર્ષમાં ૧૦૪ ભ્રષ્ટાચારીઓને ઝડપતા મોટા માથાઓ અંતે ફફડયા

રાજકોટ, તા., ૧૬: ગુજરાત એસીબીનો વહીવટ કેશવકુમારના આગમન બાદ તેમના સીબીઆઇના અનુભવને આધારે સીબીઆઇ સ્ટાઇલથી થવા લાગતા જ તેનો પડઘો એવો પડયો કે રાજય સરકારને ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી.ને અલી ગઢીયા  લગાવવા પડયા છે. એસીબીએ બે જ વર્ષમાં ૧૦૪ કૌભાંડકારીઓને પકડી પાડતા રાજય સરકારના ઉચ્ચ પદ પર બિરાજતા મોટા માથાઓ રીતસર ફફડવા લાગ્યા છે.

મોટા માથાઓ ખાસ કરીને એટલા માટે વિશેષ ડરવા લાગ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત જમીન વિકાસ નિગમ લી.માં મેેનેજીંગ ડીરેકટર જેવા મહત્વના પદે બિરાજતા કે.એસ.દેત્રોજાને એસીબીએ દરોડો પાડી પ૬ લાખ રૂપીયા સાથે ઝડપી લીધા હતા.

એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ કે.એસ.દેત્રોજાના ૧૭ બેંક એકાઉન્ટ  તથા સૌરાષ્ટ્રના મોરબી સહિત ઠેર-ઠેર શહેરોમાં મોટી મિલ્કતો મળવા સાથે તેના બંગલાઓ અને  ફિકસ ડીપોઝીટ સહિત બેનામી રકમો જાહેર થશે ત્યારે ભુકંપ સર્જાઇ જશે.

દરમિયાન કે.એસ.દેત્રોજાએ બનાવટી ડિગ્રી મેળવી કલાસ વન અધિકારી બન્યાનું એસીબીએ ભારે શીફત પુર્વક શોધી કાઢયું છે. તેઓએ જે સ્થળે અર્થાત ૧૯૯૩માં જુનાગઢ એગ્રીકલ્ચર યુની.માં પીએચડી કર્યુ તે સમયે તેઓ સુરતના મહુવામાં ફરજ બજાવતા હતા. આમ આ સ્થળે હાજરી હોય ત્યારે પ૦૦ કી.મી. દુર કઇ રીતે હાજર હોય? તેમણે પીએચડીની ડીગ્રી માટે પણ રાજય સરકારની મંજુરી ન લીધાનું ખુલ્યું છે.

(1:45 pm IST)