ગુજરાત
News of Friday, 16th November 2018

વાઇબ્રન્ટ ગુજરાતની વિશેષતાઓ અંગે અગ્રણી સમક્ષ રજૂઆત કરી

ગુજરાત મુખ્યમંત્રી રૂપાણીએ દિલ્હીમાં રોડ શો યોજ્યોઃ વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ નેટવર્કિંગ પ્લેટફોર્મ તેમજ વર્લ્ડક્લાસ સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટીનું વિશ્વ મંચ બની ગઈ : કારોબાર વધુ સરળ : વિજય રૂપાણી

અમદાવાદ,તા.૧૬: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં ઉદ્યોગ વેપાર વિશ્વના અગ્રણી સંચાલકો સમક્ષ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ની વિશેષતાઓ ઉજાગર કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે 'શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા'ની થીમ સાથે આ વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત ન્યૂ ઇન્ડિયાની નીંવ મૂકશે, એટલું જ નહીં ન્યૂ ઇન્ડિયાના નિર્માણનું નેતૃત્વ પણ કરશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને ફીલ ઓફ ડુઇંગ બિઝનેસનું વાતાવરણ બન્યું છે.  મુખ્યમંત્રીએ આગામી તા.૧૮ થી ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડી પૂર્વે નવી દિલ્હીમાં ઉદ્યોગ વેપાર જગત સમક્ષ કર્ટેન રેઇઝર દ્વારા આ સમિટના વિવિધ પહલુઓને ઉજાગર કર્યા હતાં. વિજય રૂપાણીએ જણાવ્યું કે પાછલા બે વર્ષમાં એટલે કે આઠમી સમિટ ૨૦૧૭માં યોજાઇ ત્યારથી આગામી સમિટ સુધીમાં ગુજરાતે અનેક ક્ષેત્રોમાં દેશ અને દુનિયામાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. ગુજરાતીઓની ઉદ્યમશિલતા, રાજ્યમાં ઇમાનદારીયુક્ત શાસન, ડાયનેમિક પોલિસીઝ તથા સમર્પિત નેતૃત્વ અને સમાજની શાંતિપ્રિયતાના કારણે આ સંભવ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હવે આપણે ગુજરાતને ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં અગ્રેસર બનાવવું છે અને ગુજરાતનું આગવું વિકાસ દર્શન આ સમિટમાં ગુજરાત'સ્ સ્પ્રિન્ટ ટુ ૨૦૨૨થી વિશ્વને કરાવીશું. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં ગિફ્ટ સિટી, રો-રો ફેરી સર્વિસ, ધોલેરા એસઆઇઆર જેવી વિશ્વ કક્ષાની સુવિધાઓ વિકસાવીને દુનિયાને આપણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઇ પણ રાજ્ય વર્લ્ડક્લાસ બનવા કેટલા સફળ સંભવ પ્રયાસ કરી શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આપણે એવી ટેક્નોલોજી અને કન્સેપ્ટ લાવ્યા છીએ જે સૌને આકર્ષિત કરે છે અને ગુજરાત પોતાના આવા સર્વગ્રાહી વિકાસથી દેશના અન્ય રાજ્યો માટે પણ આગળ ધપવાની પ્રેરણા આપનારું રોલ મોડેલ બન્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં રોકાણ માટે પૂંજી નિવેશકો, ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોને ઇજન પાઠવતા જણાવ્યું કે પહેલા ઇન્વેસ્ટમેન્ટની વાતો થતી હતી, હવે સમયાનુકૂલ અવસર તેમજ મંથન અને વિચાર વિમર્શ સાથે ગુજરાત નિવેશ વિકાસના નવા દ્વાર ખોલનારું એક બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે. તેમણે સ્પષ્ટ નીતિ, શાસન સ્થિરતા અને પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાતે ટેક્નોલોજીના ઉપયોગથી ઉદ્યોગ-વેપાર સહિત સૌના સાથ સૌના વિકાસનો મંત્ર અપનાવીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડ્યા છે તેમ પણ ઉમેર્યું હતું. મુખ્યસચિવ ડો. જેએન સિંહે અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોને આવકારતા કહ્યું કે આ વર્ષના પ્રથમ નવ મહિનામાં જ ૩૪૭ ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ ગુજરાતમાં આવી છે, જે દેશમાં સૌથી વધુ છે અને ગુજરાત આર્થિક વિકાસ તેમજ ઔદ્યોગિક અને સોશિયલ સેક્ટરના વિકાસમાં પણ અગ્રેસર છે, તેનું આ પ્રમાણ છે. મુખ્યસચિવએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ એ વેલ્યૂ એડિશન અને બિઝનેસ ઇકો સિસ્ટમને પ્રમોટ કરવા સાથે જ ફોરવર્ડ-બેકવર્ડ લિંકેજને સક્ષમ બનાવશે અને એશિયાના દેશો સહિત વિશ્વમાં નેટર્વકિંગ-નોલેજ શેરિંગ અને બિઝનેસ પાર્ટનરશિપ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બનાવશે, તેવો મત વ્યક્ત કર્યો હતો. ડો. જેએન સિંહે જણાવ્યું કે રિટેલ અને હેન્ડિક્રાફ્ટ-હસ્તકલા કારીગરી સેક્ટરને પ્રમોટ કરવા અને વિશ્વબજાર આપવા એક પખવાડિયાનો શોપિંગ ફેસ્ટિવલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન યોજાશે. આ સમિટમાં પ્રથમવાર કોન્ક્લેવ ઓફ ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ યોજાવાની છે, તેની ભૂમિકા આપતા મુખ્યસચિવએ કહ્યું કે બી-ટુ-બી અને જી-ટુ-બી મિટિંગ દ્વારા ગુજરાતમાં ઉદ્યોગ રોકાણ અને વેપાર વ્યવસાય માટે નવું એન્વાયર્ન્મેન્ટ ઊભું કરીશું. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રમોશનના સચિવ રમેશ અભિષેકે જણાવ્યું હતું કે ગુજરાતની આ વાઇબ્રન્ટ સમિટની સફળતા અન્ય રાજ્યો માટે પણ આવી સમિટના આયોજનની માર્ગદર્શક બની છે. તેમણે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ મેળવવા માટે ઇન્ડેક્સ્ટ-બીના પ્રોત્સાહક અભિગમને બિરદાવતા કહ્યું કે આ અભિગમથી જ ઇન્વેસ્ટ ઇન્ડિયાની શરૂઆત કરવાની પ્રેરણા મળી છે. ઉદ્યોગ સચિવ અને મુખ્યમંત્રીના અગ્રસચિવ મનોજકુમાર દાસે અગ્રણી ઉદ્યોગ અને કંપની સંચાલકો સમક્ષ વાયબ્રન્ટ સમિટની વિશદ રૂપરેખા આપતા વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરતા જણાવ્યું કે આ સમિટમાં માત્ર ઇન્વેસ્ટમેન્ટ જ નહીં ટ્રેડ એન્ડ કોમર્સ, સર્વિસ સેક્ટર,  નેટર્વકિંગ, યુથ એમ્પાવરમેન્ટ, એક્સપોર્ટને પણ ફોક્સ કરાશે.

(9:26 pm IST)