ગુજરાત
News of Friday, 16th November 2018

અમદાવાદમાં ૧૦૦૦ કરોડના ખર્ચે બનનાર ઉમિયા ધામનું શિલાન્‍યાસ વડાપ્રધાન મોદીના હસ્‍તે થશે

પીએમને મોકલાયુ હતું આમંત્રણ : કર્યો સ્‍વીકાર : ટુંક સમયમાં જાહેર થશે તારીખ

અમદાવાદ તા. ૧૬ : અમદાવાદમાં કડવા પાટીદાર દ્વારા રૂપિયા ૧૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા ઉમિયા ધામનું શિલાન્‍યાસ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી કરશે. ભાજપના કડવા પાટીદાર નેતાઓ દ્વારા રાજયભરમાં સફળતાપૂર્વક મા ઉમિયાની યાત્રા સમાપ્ત કર્યા બાદ વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન દ્વારા પીએમ મોદીને ઉમિયા ધામના શિલાન્‍યાસ માટે આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. જે અમદાવાદના વૈષ્‍ણો દેવી સર્કલ પાસે ૨ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું હશે.

ઉમિયા ધામ ઓફિસના હોદ્દેદારે જણાવ્‍યું કે, અમે ફેબ્રુઆરીના અંત અથવા માર્ચ ૨૦૧૯માં ઉમિયા ધામ કોમ્‍પલેક્ષના શિલાન્‍યાસ માટે પીએમ મોદીને આમંત્રણ પાઠવ્‍યું છે. જે તેમણે સ્‍વીકારી લીધું છે. હાલમાં અમે ઈવેન્‍ટની તારીખ નક્કી કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં છેલ્લી તારીખ જાહેર કરાશે. અત્‍યાર સુધીમાં અમે ૩૨૫ કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું છે અને બાંધકામનો પ્‍લાન પણ નક્કી થઈ ગયો છે.

વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન દ્વારા યોજાયેલી યાત્રા છેલ્લા એક મહિનાથી રાજયભરમાં ફરી રહી છે જેમાં ભાજપના નેતાઓ કડવા પાટીદાર સમાજના સભ્‍યોનો વિશ્વાસ જીતવા માટે મોટી સંખ્‍યામાં ભાગ લઈ રહ્યા છે. રાજકીય વિશ્‍લેષકો મુજબ પાછલી કેટલીક ચૂંટણીમાં બીજેપીને મોટી સંખ્‍યામાં પાટીદારોનો ટેકો નહોતો મળ્‍યો.

ભાજપના સીનિયર નેતાએ જણાવ્‍યું કે, ભાજપ માટે કડવા પાટીદારની કડવાશ હવે દૂર થઈ ગઈ છે. મા ઉમિયા યાત્રા દરમિયાન અમને જે પ્રતિભાવ મળ્‍યો છે તે નોંધપાત્ર છે. ઉમિયા ધામ કોમ્‍પલેક્ષનું ખાત મહૂર્ત પીએમ મોદીના હસ્‍તે થવાથી કાર્યક્રમ અને અમારા પ્રયાસોને વધારે વેગ મળશે.

મા ઉમિયા મંદિરની સાથે કોમ્‍પલેક્ષમાં ફય્‍ત્‍ ગેસ્‍ટ હાઉસ, કન્‍વેન્‍શન હોલ, બોય્‍ઝ અને ગર્લ્‍ઝ હોસ્‍ટેલ, સીનિયર સીટિઝન માટેની સુવિધા, મેડિકલ સુવિધા, મનોરંજન અને સ્‍પોર્ટ્‍સની સુવિધા, કરિયર અને બિઝનેસ ડેવલપમેન્‍ટની સુવિધા વગેરે હશે.

(10:44 am IST)