ગુજરાત
News of Tuesday, 16th October 2018

ગિરધરનગર રેલવે બ્રિજનું કરોડોના ખર્ચે રીપરીંગ થશે

વર્ષો જૂના રેલ્વે ઓવરબ્રીજનું રીપેરીંગ કરાશેઃ રેલવે ઓવરબ્રિજનું કામકાજ આગામી ૩૦મી ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરી દેવાય તે રીતે આયોજન કરાયું

અમદાવાદ, તા.૧૬: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના દાયકાઓ જૂના રેલવે ઓવરબ્રિજના રિપેરિંગ માટે ખાસ કાળજી લેવાઈ રહી છે, જેમાં ખોખરા-કાંકરિયા રેલવે ઓવરબ્રિજને તો નવેસરથી બનાવાઈ રહ્યો છે, જે માટે બે વર્ષ સુધી આ બ્રિજ બંધ રહેવાનો છે. હાલમાં તંત્ર દ્વારા ગિરધરનગરના રેલવે ઓવરબ્રિજના રિપેરિંગની કામગીરી રૃ.૬.૩૦ કરોડના ખર્ચે હાથ ધરાઈ છે. ગત તા.૩ ઓક્ટોબર, ૨૦૧૫ના સવારના દશ વાગ્યે પચાસ વર્ષ જૂના ખોખરા-કાંકરિયા રેલવે ઓવરબ્રિજની ફૂટપાથનો હિસ્સો અચાનક નીચેના રેલવે ટ્રેક પર તૂટી પડતાં બે વ્યક્તિને ઈજા થઈ હતી. હવે તંત્રના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ખોખરા-કાંકરિયા રેલવે ઓવરબ્રિજના રિસ્ટોરેશન માટે રૃ.૨૯.૮૧ કરોડનો અંદાજ તૈયાર કરાયો હોઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાય તરીકે ઓળખાતા આ રેલવે ઓવરબ્રિજના રેલવે તરફના હિસ્સાના નિયમિત માટે રેલવે સત્તાવાળાઓ દ્વારા સંબંધિત કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર પણ અપાઈ ગયો છે. જાણકાર સૂત્રોના મતે, અમ્યુકો તંત્ર દ્વારા ચામુંડા રેલવે ઓવરબ્રિજનું રૃ.૨.૫૩ કરોડના ખર્ચે તાજેતરમાં રિપેરિંગ કામ પૂર્ણ કરાયું છે. ચામુંડા રેલવે ઓવરબ્રિજની ઉપરની પેરાફિટ તૂટી જવાથી તેને તોડીને નવેસરથી બનાવાઈ છે. આ બ્રિજના નીચેના ભાગના સ્લેબમાં પોપડા ખરતાં તેને મજબૂતાઈ અપાઈ છે. ચામુંડા અને ચમનપુરા એમ બંને બાજુની સીડી પણ જર્જરિત થતાં તેને રિપેર કરાઈ છે. સીડી ઉપરાંત ચામુંડાબ્રિજને રેલિંગ સાથે રંગકામ પણ કરાયું છે. જ્યારે પચાસ વર્ષથી પણ વધારે જૂના સારંગપુર રેલવે ઓવરબ્રિજના રિપેરિંગ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી રૃ. ૩.૦૫ કરોડ ખર્ચાયા છે. જે અંતર્ગત સારંગપુર રેલવે ઓવરબ્રિજની નીચેના ભાગની પથ્થરવાળી રિટેનિંગ વોલને મજબૂતી અપાઈ છે. આ બ્રિજની ઉપરની પેરાફિટ તૂટી જવાથી તેને તોડી નાખીને નવેસરથી ક્રેશ બેરિયરનું કામ કરાયું છે. આ ઉપરાંત ગોમતીપુર તરફની સીડીને તૂટી ફૂટી જતાં નવી બનાવાઈ છે અને કાલુપુર તરફની સીડીને રિપેર કરાઈ છે. તંત્ર દ્વારા બંને સીડી અને સારંગપુરબ્રિજને રેલિંગ ઉપરાંત કલરકામ પણ કરાયું છે.

હવે ગિરધરનગર રેલવે ઓવરબ્રિજના રિપેરિંગનું કામ પ્રગતિ હેઠળ છે. આ બ્રિજના રિપેરિંગ માટે તંત્ર દ્વારા કુલ રૃ. ૬.૩૦ કરોડનો અંદાજ તૈયાર કરાયો હોઈ આજદિન સુધીમાં કુલ રૃ.૪૮ લાખ રિપેરિંગ પાછળ ખર્ચાયા હોઈ ૩૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. ગિરધરનગર રેલવે ઓવરબ્રિજનું કામકાજ આગામી તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરી દેવાય તેવી શકયતા છે.

(9:55 pm IST)