ગુજરાત
News of Tuesday, 16th October 2018

વેપારીને લાફો મારી બાઇકર્સ સોનાની ચેઇન લૂંટી પલાયન

નરોડાથી નોબલનગર રોડ પર બનાવ બન્યો : સરદારનગર પોલીસની ચેઇન સ્નેચરો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ : બનાવને પગલે સ્થાનિકોમાં નવી ચર્ચાઓ

અમદાવાદ, તા.૧૬ : શહેરમાં ચેઇન સ્નેચિંગના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ધૂમ સ્ટાઇલથી બાઇક પર આવેલા શખ્સો મહિલા-પુરુષના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને નાસી જાય છે, છતાં શહેર પોલીસ ચેઇન સ્નેચરોને ઝબ્બે કરવામાં નિષ્ફળ રહી છે. ગઇકાલે નરોડાથી નોબલનગર તરફ એક્ટિવા પર જઇ રહેલા એક વેપારીને બાઇક પર આવેલા બે શખ્સો લાફો મારીને ૬૦ હજાર રૂપિયાની કિંમતની સોનાની ચેઇનનું સ્નેચીંગ કરીને નાસી જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા અને ઇલાસ્ટિકનો વેપાર કરતા પ૯ વર્ષીય ઇન્દ્રલાલ આહુજાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે ચેઇન સ્નેચરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદની વિગતો મુજબ, ગઇકાલે રાતના સાડા દસ વાગ્યાની આસપાસ ઇન્દ્રલાલ તેમની મેમ્કો ખાતે આવેલી ફેક્ટરીથી ઘરે એક્ટિવા પર જતા હતા તે સમયે નરોડામાં ગેલેક્સી સિનેમાથી નોબલનગર જવાના રોડ પર બાઇકચાલકોએ તેમનો પીછો કર્યો હતો. નોબલનગર નજીક બાઇક પર બે યુવકો મોઢા પર રૂમાલ બાંધીને ઇન્દ્રલાલ પાસે  આવ્યા હતા અને ચાલુ વિહિકલ પર તેમને લાફો મારીને ૬૦ હજાર રૂપિયાની ચેઇન લૂંટી લીધી હતી. ગણતરીના સેકંડમાં બનેલી આ ઘટનામાં ઇન્દ્રલાલે બાઇકચાલકોનો માયા સિનેમા સુધી પીછો કર્યો હતો, જોકે તેઓ પલાયન થઇ ગયા હતા. ઇન્દ્રલાલે તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરતાં સરદારનગર પોલીસે ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જો કે, બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

(7:35 pm IST)