ગુજરાત
News of Tuesday, 16th October 2018

વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ પર વોચ રાખી કારની ડેકીમાંથી લૂંટ ચલાવનાર ગઠીયાઓની ધરપકડ

વડોદરા:ગરબા ગ્રાઉન્ડો પર રાતે કારમાં આવી વોચ રાખતી અને કારના કાચ તેમજ સ્કૂટરની ડિકિઓ તોડી કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરતી ગેંગને ગોત્રી પોલીસે ઝડપી પાડતાં અનેક ગુનાઓનો ભેદ ખૂલ્યો છે.

અકોટા વિસ્તારમાં સયાજીનગર ગૃહ પાસે પાર્કિંગમાં ગઇરાતે ગોત્રી પોલીસની ટીમે એક કારમાં કેટલાક શખ્સોને જોતાં શંકા પડી હતી.આ કારની પાસે અન્ય એક શખ્સ બાઇક પર બેઠો હતો.

ગોત્રીના ઇન્ચાર્જ પીઆઇ વી આર ખૈરની દોરવણી હેઠળ પીએસઆઇ ડી જે લિંબોલા અને સ્ટાફના માણસોએ તેઓની પૂછપરછ કરતાં નવરાત્રિ દરમિયાન શહેરના મોટા ગરબા ગ્રાઉન્ડો પર કારમાં આવતી ટોળકી ખેલૈયાઓના સ્કૂટરો અને કાર પર વોચ રાખતી  હતી અને ત્યારબાદ તક મળે એટલે તેમાંથી જે કાંઇ ચીજ હાથ લાગે તે ઉઠાવી લેવાતી હોવાની વિગતો ખૂલી હતી.

(5:16 pm IST)