ગુજરાત
News of Tuesday, 16th October 2018

બહેરામપુરા વિસ્તારનું તળાવ ગંદકીથી ખદબદતા રોગચાળાનો ભય વધ્યો

અમદાવાદ:બહેરામપુરા વિસ્તારમાં સોંઢણ તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. દુર્ગંધ અને માખી-મચ્છરોના ત્રાસથી આજુબાજુના વિસ્તારોમાં રોગચાળો ફેલાયો છે. તેમ છતાંય મ્યુનિ.તંત્ર દ્વારા સફાઇ કે દવાના છંટકાવ જેવી કામગીરી કરવામાં ઢીલાસ દાખવતા આજે તા.૧૬ ઓક્ટોબરને મંગળવારે તળાવ ખાતે વિરોધ પક્ષ કોંગ્રેસની આગેવાનીમાં રહીશો દ્વારા દેખાવો યોજાશે.

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા શહેરમાં આવેલા ૧૧૫ તળાવોની સફાઇ માટે લાખો રૃપિયાનો ખર્ચો કરાયો છે. તેમ છતાંય નવાઇની વાત એ છેકે મ્યુનિ.તંત્રની બેદરકારીના કારણે હાલમાં શહેરના ૧૦૦ તળાવોમાં ગંદકી જોવા મળી રહી છે. દુષિત થઇ ગયેલા આ તળાવો જનઆરોગ્ય સામે ખતરો બની ગયા છે.

બહેરામપુરામાં સોંઢણ તળાવ જાળવણીના અભાવે ડમ્પીંગ સાઇટ બની ગયું છે. કચરો અને ગટરોના પાણીથી તળાવ ઉભરાઇ રહ્યું છે. બહેરામપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તળાવની સફાઇનો કાર્યક્રમ રખાયો છે. જેમાં સ્થાનિક રહીશો સાથે મ્યુનિ.તંત્ર વિરૃદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવશે.

(5:13 pm IST)