ગુજરાત
News of Tuesday, 16th October 2018

ફાફડાનો ભાવ ૩૪૦થી ૪૦૦ : શુધ્ધ ઘીની જલેબી ૬૦૦થી ૧૦૦૦માં પડશે

ફાફડા - જલેબીમાં ૧૦થી ૧૫ ટકા ભાવવધારો : અમદાવાદીઓ આવતીકાલથી ગુરૂવારના સમગ્ર દિવસ દરમિયાન અંદાજે રૂ. ૧૭ કરોડથી વધુના ફાફડા-જલેબી ઝાપટી જશે

અમદાવાદ તા. ૧૬ : અમદાવાદ સહિત રાજયભરમાં ગુરુવારે વિજયાદશમીની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદીઓ માટે ફાફડા-જલેબી વિના વિજયાદશમીના પર્વની ઉજવણી અધૂરી જ ગણવામાં આવે છે.

એક અંદાજ અનુસાર અમદાવાદીઓ આવતી કાલ રાતથી ગુરૂવારના સમગ્ર દિવસ દરમિયાન અંદાજે રૂ.૧૭ કરોડથી વધુનાં ફાફડા-જલેબી ઝાપટી જશે. આ વર્ષે ફાફડા-જલેબીમાં ૧૦ થી ૧પ ટકા ભાવવધારો જોવા મળ્યો છે, છતાં વધેલા ભાવની પરવા કર્યા વગર શહેરીજનો હોંશે હોંશે ફાફડા-જલેબી અને ચોળાફળી આરોગશે.

અમદાવાદમાં આવતી કાલ રાતથી જ ફાફડા-જલેબી-ચોળાફળીની ખરીદીમાં ભારે ધસારો જોવા મળશે. આ તડાકાનો લાભ લેવા માટે ફરસાણના વેપારીઓએ સામાન્ય દિવસોની સરખામણીએ ફાફડા-જલેબીની કિંમતમાં પણ વધારો કરી દીધો છે.

દશેરા નિમિત્તે કેટલીક ફરસાણની દુકાનમાં પ્રતિકિગ્રા ફાફડાની રૂ.૬૫૦ અને જલેબીની રૂ.૭૫૦ કિંમત રાખવામાં આવી છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ ૩૦ ટકા વધારે છે. આ ઉપરાંત ચોળાફળીની કિંમત સરેરાશ રૂ.૪૫૦ રાખવામાં આવેલી છે.

મુખ્યત્વે ફરસાણમાં ૦ ટકા ટેકસ હતો, જે વધીને ૧૨ ટકા જેટલો થઈ જતાં ફરસાણ મોંંઘાં થયાં છે, સાથે-સાથે ડીઝલ અને મજૂરીના ભાવ વધતાં આ ભાવવધારો નોંધાયો છે. દશેરા પર્વ આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે શહેરમાં નવરાત્રી અને દશેરાના પર્વને અનુલક્ષીને ફરસાણ તથા મીઠાઈની દુકાનોમાં ફાફડા-જલેબી બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ફરસાણના અસોસિયેશનના પ્રમુખ મુરલીધર અગ્રવાલે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે ફરસાણમાં ૧૨ ટકા જીએસટી લાગતાં તથા વિવિધ મજૂરીના ભાવમાં વધારો થતાં તથા માલ બનાવવા માટે વપરાતા રોમટીરિયલ તથા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થતાં ભાવ વધારવાની ફરજ પડી છે.

(3:43 pm IST)