ગુજરાત
News of Tuesday, 16th October 2018

પાટીદાર આંદોલન સમયે લોકોના જાનમાલના રક્ષણ માટે જે પગલા લેવાનું યોગ્ય જણાયું તે પગલા લીધેલઃ શિવાનંદ ઝા

જસ્ટીસ કે.એ.પુંજના કમીશન સમક્ષ ડીજીપી સહિત ઉચ્ચ અધિકારીઓએ એફીડેવીટ કરી : આંદોલનકારી નેતાઓએ પણ નિવેદનો આપ્યાઃ હવે જસ્ટીસ શ્રી પુંજ કેવો રીપોર્ટ આપે છે તેના તરફ આતુરતા ભરી મીટ મંડાઇ છે

રાજકોટ, તા., ૧૬: અમદાવાદ સહિત ગુજરાતમાં ર૦૧પમાં પાટીદારોની વિશાળ રેલી બાદ જીએમડીસીમાં મળેલી સભા દરમિયાન પરિસ્થિતિ વણસતા પોલીસ દ્વારા કહેવાતા બળપ્રયોગ સામે થયેલી રજુઆત સંદર્ભે એક વ્યકિતના નિમાયેલ જસ્ટીસ શ્રી કે.એ.પુંજના કમીશન સમક્ષ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ એફીડેવીટ કરી છે.

ઘટના સમયે હાલના ડીજીપી શિવાનંદ ઝા અમદાવાદના પોલીસ કમિશ્નર હતા અને આ ઘટનાઓ તે સમયે સર્જાયેેલ હોવાથી શિવાનંદ ઝાની એફીડેવીટ મહત્વની બની રહી હતી.

સુત્રોના કથન મુજબ ઉચ્ચ અધિકારીઓએ પોલીસ દ્વારા ટોળાને કાબુમાં લઇ લોકોના જાનમાલની રક્ષા માટે તે સમયે પરિસ્થિતિ વણસતી અટકાવવા જે પગલાઓ લેવાનું યોગ્ય લાગ્યું તેવા પગલાઓ લીધા હતા.

સુત્રો દ્વારા વધુમાં જણાવ્યા મુજબ હાલ ડેપ્યુટેશન પર ગયેલા ગુજરાતના તત્કાલીન સિનીયર આઇપીએસ અને અમદાવાદના તત્કાલીન સેકટર-૧ના જોઇન્ટ પોલીસ કમિશ્નર રાજીવ રંજન ભગતે પણ એફીડેવીટ કરવા સાથે ઘણા અન્યો સિનીયર-જુનીયર પોલીસ અધિકારીઓએ એફીડેવીટ કરી છે. મોટા ભાગના અધિકારીઓની એફીડેવીટનો સુર એક જ જેવો નીકળે છે.

જસ્ટીસ કે.એ.પુંજ સમક્ષ સિનીયર-જુનીયર અધિકારીઓની એફીેડેવીટ સિવાય આંદોલનકારી નેતાઓની પણ એફીડેવીટ નોંધવામાં આવી છે. હવે પંચ આ બાબતે શું નિર્ણય લઇ પોતાનો રિપોર્ટ આપશે તે બાબતે ઉત્સુકતા જાગી છે.

(3:23 pm IST)