ગુજરાત
News of Monday, 16th September 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૭ દિવસમાં ૧૧૩ કેસ થયા

કમળાના ૭૪ અને ટાઇફોઇડના ૧૬૮ કેસોઃ અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જોરદાર કાર્યવાહી : ગંદગીના લીધે કેસોમાં વધારો નોંધાયો

અમદાવાદ, તા. ૧૬: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૮ની સરખામણીમાં ૧૪મી સપ્ટેમ્બર ૨૦૧૯માં હજુ સુધી મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી ૩૧૮ કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૧૪ અને ડેંગ્યુના ૨૯૩ કેસો સપાટી ઉપર આવ્યા છે અને ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે. સપ્ટેમ્બરમાં ૧૪ દિવસમાં ઝાડાઉલ્ટીના ૨૧૮ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. કમળાના ૧૪૯ અને ટાઇફોઇડના ૩૪૦ કેસ નોંધાઈ ચુક્યા છે. હાલમાં પડેલા હળવા વરસાદના કારણે જુદા જુદા ક્ષેત્રોમાં ગંદગી અને કાદવ-કીચડના પરિણામ સ્વરુપે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર માસના ગાળામાં હજુ સુધી ઝાડા ઉલ્ટીના ૨૧૮ કેસ નોંધાઈ ચુક્યા છે. અલબત્ત કોલેરાના કેસોને રોકવામાં તંત્ર સફળ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે મોટાપાયે વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે જેમાં ૨૪૪૫૮ ક્લોરિન ગોળીઓનું વિતરણ ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. બેક્ટોરિયોલોજીકલ તપાસ માટે ૬૪૦ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. વહીવટી દંડ ફટકારીને પણ અસરકારક કામગીરી જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા તપાસ કરવામાં આવ્યા બાદ ૧૪ નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓગસ્ટ સુધીમાં લોહીના હજારોની સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે.

આવી જ રીતે સપ્ટેમ્બર ૨૦૧૮ની સરખામણીમાં ૧૪મી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ૧૧૦૮ જેટલા સિરમ સેમ્પલો લઇને તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે. મચ્છરજન્ય વિસ્તારોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેલેરિયા રોગચાળાને રોકવામાં સફળતા મળી છે.

(9:49 pm IST)