ગુજરાત
News of Monday, 16th September 2019

કાંકરેજ તાલુકામાં ગાડીના ચાલકે નશાની હાલતમાં રોંગ સાઈડમાં ગાડી ચલાવી રાહદારીઓને ફંગોળ્યા: 9 પૈકી બે એ ઘટનાસ્થળેજ દમ તોડ્યા: સાતને ગંભીર ઇજા

કાંકરેજ:તાલુકાના વહેપારી મથક થરા ખાતે ગત સાંજના સુમારે એક હ્યુન્ડાઈ ગાડીના ચાલકે દારૃના નશામાં ચકચુર થઈ રોંગ સાઈડમાં ગાડી ચલાવી સામેથી આવી રહેલ જલારામ મંદિરેથી આવી રહેલ રાહદારીઓને હવામાં ફંગોળ્યા હતા. જેમાં 9 રાહદારીઓપૈકી બેના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 7 વ્યક્તિઓને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે થરા રેફરલ ખાતે ખસેડાયા હતા. જેઓની હાલત નાજુક જણાતા પાટણ ધારપુર ખાતે ખસેડાયા હતા.

થરા વેપારી મથકમાં આવેલ જલારામ મંદિરમાંથી ભોજનની પ્રસાદી લઈને થરા તરફ આવી રહેલ રાહદારીઓ સામે રોંગસાઈડમાંથી કાર ચાલક પ્રજાપતિ મોહિત રમેશભાઈ (રહે. શિહોરી)વાળાએ રાજાપાઠમાં સામેથી આવી રહેલા રાહદારીઓ પર ગાડી ચલાવી હવામાં ઉછાળી તેમજ ગાડી માથે ચડાવી આગળ રોડની સાઈડમાં પડેલા સિમેન્ટના બાંકડાઓ પર અથડાવી હતી. ઘટનાસ્થળે લોકોના ટોલાએ આરોપી ગાડી ચાલકને ગાડીમાંથી ઉતારી થરા પોલીસને હવાલે કર્યો હતો. આ અકસ્માતમાં  9 રાહદારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બે જણાના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 7 રાહદારીઓને ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર થરા રેફરલ હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(6:07 pm IST)