ગુજરાત
News of Monday, 16th September 2019

વરસાદનું જોર ઘટ્યુઃ ૫ તાલુકાઓમાં ૫ ઈંચ સુધીનો વરસાદઃ નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટી પર

ઉકાઇ ડેમની જળ સપાટી ૩૪૦ ફુટનો આંક વટાળી ભરૂચના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી તા.૧૬: ભાદરવા માસના તેમજ સપ્ટેમ્બર માસના બીજા પખવાડીયા બાદ પણ રાજ્યમાંથી મેઘરાજા વિદાય લેવાના મુડમાં હોય તેમ જણાતુ નથી. હા જો કે નરમ પડ્યા છે.

સત્વરે છેલ્લા પંદરેક દિવસથી મેઘરાજા સતત રાજ્યના મોટાભાગના વિસ્તારોને ધુંઆધાર બેટીંગ દ્વારા તરબોળ કરી રહ્યા છે. હજુ પણ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી જો કે ચિંતાનો વિષય બની છે.

ગુજરાત તેમજ પાડોશી  રાજ્યોમાં પડતા ભારે વરસાદને પગલે જળાશયોની જળસપાટી સતત વધી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે.

૯મી ઓગષ્ટના પ્રથમ વખત નર્મદા ડેમના ગેટ ખોલાયા ત્યારબાદ ડેમની જળ સપાટીમાં જો કે સતત વધારો નોંધાઇ રહ્યો છે.  ગઇકાલે સાંજે એટલે કે ૧૫મી સપ્ટેમ્બર ૨૦૧૯ રવિવારને સાંજે ૬.૩૫ કલાકે ડેમ  ૧૦૦ ટકા ભરાઇ જતા સાથે તેની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટી ૧૩૮.૬૮ મીટર સપાટી પર પહોંચી છે.

૧૯૪૬માં સરદાર વલ્લભભાઇ પટેલે, સરદાર સરોવર નર્મદા ડેમ સંપુર્ણ ભરાવવાનુ અને નર્મદા ખીણમાં રહેલો પાણીનો જથ્થો દુકાળગ્રસ્ત વિસ્તારમાં પહોચાડવાનુ જોયેલુ સ્વપ્ન હાલમાં પુર્ણ થઇ રહ્યુ છે.

આવતીકાલે ૧૭મી સપ્ટેમ્બરે નર્મદા ડેમના લોકાર્પણને ૨ વર્ષ થઇ રહ્યા છે. અને ડેમ એ ની સર્વોચ્ચ સપાટી એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોચતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં ઉજવણી કરાશે.

ઉપરાંત દ. ગુજરાત પંથકના ઉકાઇ ડેમની જળસપાટી એ પણ ગઇકાલે ૩૪૦ ફુટના આંક વટાવ્યો હતો. પરંતુ હવે આજથી એટલે કે ૧૬મી સપ્ટેમ્બર થી ઉકાઇ ડેમની રૂલ લેવલ સપાટી ૩૪૫ ફુટ રહેશે. જેથી હવે અહીથી પાણી છોડવાની બદલે સ્ટોરેજ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં ઉકાઇ ડેમની જળસપાટી ૩૪૨.૭૧ ફુટ નોંધાઇ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં ૩૨૪.૨૪ ફુટ અને ૨૦૧૮માં ૩૧૮ ફુટ રહી હતી. હાલની જળસપાટીની સ્થિતી જોતા કદાચ વર્ષ ૨૦૧૬ના રેકોર્ડ તુટી તેવી સંભાવના જણાઇ રહી છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૪૦.૬૧ ફુટ પહોંચી છે. ડેમમાં ૯૨.૬૧૭ કયુસેક પાણીના ઈનફલો  સામે ૨૨,૬૭૨ કયુસેક પાણી છોડાઇ રહ્યુ છે. જેને લીધે હવે ક્રોઝવેની જળસપાટી ઘટીને ૭૧૮૦ મીટરે પહોંચી છે.

નર્મદાડેમ  ૧૦૦ ટકા ભરાઇ જતા અહીથી છોડાઇ રહેલ મોટીમાત્રામાં પાણીને પગલે આશરે ૧૭૫ જેટલા ગામોને એલર્ટ સ્ટેજ પર મુકાયા છે. જની સીધી અસર ભરુચના ગોલ્ડન બ્રિજને થઇ રહી છે. ભરૂચના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરવાની શરૂઆત થઇ ચુકી છે.  જેને પગલે વહીવટીતંત્ર સતત સજાગ થઇ બેઠુ છે.

કારણકે નર્મદામાંથી મોટામાત્રામાં પાણી ફરજીયાત થતા નિચાણવાળા વિસ્તારોમાં આ પાણી ફરી વળશે તેમાં કાંઇ જ શંકા નથી.

આ ઉપરાંત દ. ગુજરાતના છેવાડાના દમણગંગાનદી ઉપર આવેલ મધુવન ડેમની જળસપાટી પાણી વધી જવા પામી છે.

ફલડુ કંટ્રોલ પાસેથી મળતા માહીતી અનુસાર નોંધાયેલા દ.ગુજરાતના પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં હાંસોટ ૨૨મીમી, નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ૧૦ મીમી , સુરત જીલ્લાના તાલુકાઓમાં કામરેજ ૧૩ મીમી વરસાદ નોંધાયેલ છે.

જ્યારે નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૨૭મીમી, તો ગર્ગદેવી અને વાસંદા ૧૨-૧૨ મીમી, તો વલસાડ જીલ્લાના સુબીર ૩૫ મીમી અને વધઇ ૯૭ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અહી મુખ્યત્વે છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં સાંખેડા ૧૧ મીમી, કવાટ ૧૯મીમી, તો દાહોદ જીલ્લાના તાલુકાઓમાં દેવગઢ બારીયા ૧૫મીમી, ધાનપુર ૧૮મીમી, અને ઝાલોદ ૧૭ મીમી. વરસાદ નોંધાયેલ છે. આ ઉપરાંત પૂવ- મધ્ય- ગુજરાત વિસ્તારના અન્ય તાલુકાઓમાં તેમજ કચ્છ તથા ઉ.ગુજરાતના વિસ્તારમાં મોટાભાગે કોરાધાકડ રહેવા પામ્યો છે.

(4:12 pm IST)